Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

આ વર્ષે મગફળીના ઢગલા થશેઃ ૧૨,૩૬,૬૨૨ હેકટરમાં વાવેતર

ખેડૂતોને આશા ઉગી : ગયા વર્ષે ૨૨ જુન સુધીમાં મગફળીનું ૬,૦૧,૨૮૯ હેકટરમાં વાવેતર થયેલ, આ વર્ષે બમણુ વાવેતર : કુલ વાવેતર વિસ્તાર પૈકી ૧૧૭૧૮ હેકટર સૌરાષ્ટ્રમાં : ૯૭૮૧ હેકટરમાં કપાસ વાવ્યો : સૌરાષ્ટ્રમાં મગફળીનું સૌથી વધુ ૨૪૧૫ હેકટરમાં વાવેતર રાજકોટ જિલ્લામાં : બીજા ક્રમે જુનાગઢ જિલ્લામાં ૨૧૭૯ હેકટરમાં વાવણી : સૌથી ઓછી બોટાદમાં ૧૧૧ હેકટરમાં મગફળી વાવવામાં આવી : ૧ હેકટર એટલે ૨.૪૭ એકર જગ્યા

રાજકોટ તા. ૨૫ : ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ જૂનના પ્રારંભે જ પધરામણી કરતા વાવણીનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં વાવેતર થઇ ગયું છે અને બાકી જ્યાં છે ત્યાં ચાલી રહ્યું છે. ગયા વર્ષે ખેડૂતોને મગફળીના સારા ભાવ મળ્યા હોવાથી આ વર્ષે ખેડૂતો મગફળીના વાવેતર તરફ મોટા પ્રમાણમાં વળ્યા છે. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસ તે બે મુખ્ય પાક છે. ગયા વર્ષે સરકારે ટેકાના ભાવે મગફળી મોટા પ્રમાણમાં ખરીદેલ તેમજ ખુલ્લા બજારમાં પણ સારા ભાવ મળતા આ વર્ષે ખેડૂતોને મગફળીના વાવેતરનું વિશેષ આકર્ષણ છે. ગયા વર્ષની જૂનના ચોથા અઠવાડિયાની સરખામણીએ આ વખતે મગફળીનું વાવેતર બમણું થયું છે. હવે વરસાદની જરૂરીયાત છે. જો સમયસર વરસાદ મળતો રહે અને કુદરતી રીતે કોઇ પ્રતિકૂળતા ન સર્જાય તો આ વર્ષે મગફળીનો પાક વિપુલ પ્રમાણમાં થશે.

૨૨ જૂનના સરકારી આંકડા મુજબ ગયા વર્ષે આ સમયગાળામાં રાજ્યમાં ૬,૦૧,૨૮૯ હેકટર જગ્યામાં મગફળીનું વાવેતર થયેલ તે આ વર્ષે ૨૨ જૂન સુધીમાં ૧૨,૩૬,૬૨૨ હેકટરમાં વાવેતર થયું છે. ગયા વર્ષ કરતા પ્રમાણ બમણું થઇ ગયું છે. નોર્મલ વાવેતર વિસ્તારની સામે ચાલુ વર્ષે મગફળીનો વાવેતર વિસ્તાર ૮૦.૩૦ ટકા જેટલો થઇ ગયો છે. રાજ્યના મગફળીના કુલ વાવેતર પૈકી ૧૧,૭૧૮ હેકટર વાવેતર વિસ્તાર સૌરાષ્ટ્રનો છે. જેમાં ૨૪૧૫ હેકટર સાથે રાજકોટ જિલ્લો મગફળીના વાવેતરમાં સૌથી મોખરે છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષનો મગફળીનો સરેરાશ વાવેતર વિસ્તાર ૧૫,૪૦,૦૭૮ હેકટર છે.

રાજ્યમાં વાવેતરની દ્રષ્ટિએ બીજા ક્રમે કપાસ આવે છે. કપાસનું વાવેતર ૧૧,૬૬,૮૧૪ હેકટરમાં થયું છે. ગયા વર્ષના આ સમયગાળામાં ૭,૬૭,૦૭૦ હેકટરમાં વાવેતર થયેલ. છેલ્લા ત્રણ વર્ષમાં કપાસનો સરેરાશ વાવેતર વિસ્તાર ૨૬,૭૩,૮૯૨ હેકટર રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૨૮,૪૪,૧૦૮ હેકટરમાં વાવેતર થઇ ચૂકયું છે. જેમાં પાકોનો સમાવેશ થાય છે. આ વખતે સૌથી ઓછું ૨.૧૦ ટકા વાવેતર ગુવારનું થયું છે.

(12:53 pm IST)