Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજ્યસભા ચૂંટણી માટે વિદેશમંત્રી એસ જયશંકર, જુગલજીએ દાખલ કરેલું નામાંકન

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં નામાંકન દાખલ કર્યું : ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિદેશમંત્રી એસ જયશંકર અને જુગલજીનું ભવ્ય સ્વાગત કરાયું : વિદેશમંત્રી એસ જયશંકર ગુજરાતમાંથી સાંસદ બનવા જઈ રહ્યા છે જે ગૌરવની વાત

અમદાવાદ,તા.૨૫ : આગામી ૫ તારીખે ગુજરાતમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત ભાજપાના ઉમેદવાર દેશના વિદેશમંત્રી એસ જયશંકરજી તથા ગુજરાતના યુવા નેતા  અને ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી જુગલજી ઠાકોરે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં નામાંકન દાખલ કર્યુ હતુ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સરકારના કેબીનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીએ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ભાજપા ઉમેદવારઓ એસ જયશંકરજી તેમજ જુગલજી ઠાકોરનું સ્વાગત કર્યુ હતુ અને નામાંકન પત્ર દાખલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતનું સૌભાગ્ય છે કે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા તથા કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડે વિદેશ મંત્રી એસ જયશંકરજી તથા જુગલજી ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળ્યો. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, એસ જયશંકરજીએ દેશના વિદેશ સચિવ તરીકે સંપૂર્ણ નિષ્ઠા સાથે દેશને સેવા આપી ચૂક્યા છે અને તેમની વિદેશ બાબતોની સુજબુજથી કોઇ અજાણ નથી. એસ જયશંકરજીએ અનેક દેશોમાં ભારતીય દુતાવાસમાં એમ્બેસેડર તરીકે ૩૦ વર્ષ જેટલો વર્ષો સુધી જવાબદારી નિભાવી છે. એસ જયશંકરજી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બનવા જઇ રહ્યા છે તે સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બાબત છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના યુવા નેતા અને ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી જુગલજી ઠાકોર રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને યુવાસાંસદ તરીકે ગુજરાતના પ્રશ્નો સંસદમાં પહોંચાડશે. દેશના વિદેશ મંત્રી એસ જયશંકરજીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ જેવા મહાપુરુષોની ભૂમિ એવા ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણીમાં નામાંકન દાખલ કરવા બદલ હું પોતાની જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું અને સમગ્ર કેન્દ્રીય નેતૃત્વનો મને ઉમેદવા બનાવવા બદલ હદયપૂર્વક આભાર વ્યક્ત કરુ છું તેમજ ગુજરાત ભાજપામાંથી મને મળેલા અભૂતપૂર્વ આવકાર બદલ ગુજરાત ભાજપાને ધન્યવાદ પાઠવું છું. એસ જયશંકરજીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતીઓ સાથે મારો નાતો વર્ષો જુનો છે. ગુજરાતી એ એક ગ્લોબલ કોમ્યુનિટી છે. મેં મારી કારકીર્દી દરમ્યાન વિવિધ દેશોમાં કાર્યો કર્યા તે દરમ્યાન પ્રત્યેક દેશમાં ગુજરાતીઓ સાથે સમય ગાળવાનો અવસર મળ્યો છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રારંભ કરાયેલ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટથી છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતનું ગ્લોબલ ઇકોનોમી સાથે કનેક્શન વધ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનકાળમાં દેશની પ્રતિષ્ઠા વૈશ્વિક સ્તરે વધી છે. ગુજરાત રાજ્યસભાના સાંસદ તરીકે ગુજરાતની વિકાસયાત્રાને આગળ ધપાવવા માટે મહત્તમ યોગદાન આપીશ તેમ એસ જયશંકરજીએ અંતમાં જણાવ્યુ હતુ. જુગલજી ઠાકોરે જણાવ્યુ હતુ કે, રાજ્યસભાની ચૂંટણીમાં મને ભાજપાના ઉમેદવાર બનાવવા બદલ ભાજપા કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાત ભાજપાનો આભારી છું. હું ગુજરાતના હિત માટે રાજ્યસભાના સાંસદ તરીકે ભાજપાએ સોંપેલ જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવીશ તેમ શ્રી જુગલજીએ જણાવ્યુ હતુ. આ પત્રકાર પરિષદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા હાજર રહ્યા હતા.  રાજયસભાની આ પ્રતિષ્ઠાભરી ચૂંટણી માટે મતદાન ગુજરાત વિધાનસભામાં પાંચમી જૂલાઇના રોજ યોજાશે. ગુજરાતમાંથી રાષ્ટ્રીય નેતાને રાજ્યસભામાં મોકલવાનું ચલણ છે. અગાઉ અરુણ જેટલી, સ્મૃતિ ઇરાની પણ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા હતા. એટલે આ વખતે વિદેશમંત્રી જયશંકરને ઉતારાયા છે. વિદેશ સચિવ રહી ચૂકેલા જયશંકર અમેરિકાના રાજદૂત પણ રહી ચૂક્યા છે. વિદેશ નીતિના નિષ્ણાત ગણાય છે. બીજીબાજુ અલ્પેશ ઠાકોર માટે હવે આ નવો પડકાર ઊભો થશે કારણ કે, ઉત્તર ગુજરાતમાંથી જ ઠાકોર સમાજનું એક મજબૂત નેતૃત્વ જુગલના નામે ઊભું થશે. જુગલ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ સંસ્થાના પ્રમુખ છે. જુગલના પિતા મથુરજી કોંગ્રેસમાં હતા. લોખંડનો વ્યવસાય હોવાથી લોખંડવાલા અટક અપનાવી છે. અલ્પેશને કદ પ્રમાણે વેતરી નંખાયો હોવાની ચર્ચાએ પણ રાજકીય ગલિયારામાં જોર પકડયુ છે.

(8:07 pm IST)