Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો : પાવી જેતપુરમાં ૪ ઇંચ

દક્ષિણ-પશ્ચિમ મોનસુન ગુજરાતમાં વધુ આગળ વધતાં ખુશીનું મોજુ : ગુજરાતના ૪૬ તાલુકાઓમાં અડધાથી ત્રણ તેમજ ૭૭ તાલુકાઓમાં શ્રીકાર વરસાદ થયો :દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી

અમદાવાદ,તા.૨૫ : ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂત સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. પાવી જેતપુરમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. ભાવનગરમાં બે ઇંચથી વધુ, કપડવંજમાં બે ઇંચ, માણવદરમાં બે ઇંચથી વધુ મેંદરડામાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રના અમરેલી, કુતિયાણા, માણાવદર, માંગરોળ, મેંદરડા, માળિયામાં પણ ઉલ્લેખનીય વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ કચ્છમાં પણ વરસાદ થયો છે. ધાર્મિક સ્થળ અંબાજી ખાતે પણ વરસાદી માહોલ જામી ગયો છે. ગુજરાતમાં મોનસુનની એન્ટ્રીની સ્થિતિ વધુ સાનુકુળ બની ચુકી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઇ રહ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, દક્ષિણ પશ્ચિમ મોનસુન ગુજરાતમાં વધુ આગળ વધ્યું છે. છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ અને કચ્છમાં ભારે વરસાદ નોંધાયો છે. અપર સાયક્લોનિક સરક્યુલેશનની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારે વરસાદની ચેતવણી દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત માટે જારી કરાઈ છે. બીજી બાજુ રાજયમાં ૩૯ તાલુકાઓમાં અડધા ઇંચ થી પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જેમાં ૧૬ તાલુકાઓમાં એક ઇંચથી પોણા ત્રણ ઇંચ સુધી અને ૨૩ તાલુકામાં અડધા ઇંચથી એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. સૌથી વધુ તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ૬૭ મીમી એટલે કે પોણા ત્રણ ઇંચ જેટલો અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં ૬૪ મીમી એટલે કે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૧૧૩ તાલુકાઓમાં કયાંક વધુ તો કયાંક અમી છાંટણા પડ્યા હતા. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ૫૪ મીમી, ભાવનગર તાલુકામાં ૫૨ મીમી, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં ૪૮ મીમી, મોરબીના વાંકાનેર અને ભરૂચના નેત્રાંગ તાલુકામાં ૪૦ મીમી, તાપી જિલ્લાના વાલોદ તાલુકામાં ૩૪ મીમી નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં ૩૩ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ૩૦ મીમી, વડોદરાના કરજણમાં ૨૯ મીમી, છોટાઉદેપુરના જિલ્લાના કવાંટ તાલુકામાં ૨૯ મીમી આણંદમાં ૨૬ મીમી, સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં ૨૬ મીમી અને ભરૂચના જંબુસર તાલુકામાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના ૨૩ તાલુકાઓમાં એક ઇંચથી અડધો ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. જ્યારે ૭૩ તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદની મહેર જોવા મળી છે. છોટા ઉદેપુર જિલ્લાનાં જેતપુર પાવી તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૦૨ મીમી એટલે કે ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યના ૨૬ જિલ્લાઓના ૭૭ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના સુરેન્દ્રનગર, દેવભુમિદ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને બોટાદમાં છેલ્લા ૨૪ કલાકમાં બીલકુલ વરસાદ વરસ્યો નથી. જ્યારે ભાવનગરનાં ઉમરાળા તાલુકામાં ૧૫ મીમી, મોરબીનાં માળીયા મિયાણા તાલુકામાં ૨૦ મીમી, જૂનાગઢનાં વિસાવદરમાં પાંચ મીમી, જામનગરનાં કાલાવડ તાલુકામાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે. તે ઉપરાંત રાજકોટ જિલ્લાનાં ગોંડલ તથા કોટડા સાંઘાણીમાં અડધો ઇંચ અને જસદણમાં પાંચ મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે અમરેલીમાં લાઠી અને રાજુલામાં ૧૫ મીમી વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર રાપર તાલુકામાઁ ૬૬ મીમી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લા ક્યાય વરસાદ પડ્યો નથી. તે ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકામાં ૧૬ મીમી અને શંખેશ્વર તાલુકમાં ૯ મીમી, બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ૧૧ મીમી, વડગામ તાલુકામાં ૩ મીમી, મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ૨૪ મીમી અને સતલાસણા તાલુકામાં ૪ મીમી, સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકામાં ૨૬ મીમી,વડાલી તાલુકામાં ૨૨ મીમી વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનના વલસાડ  જિલ્લામાં ૨૪ કલાક દરમિયાન વરસાદ વરસ્યો નથી. જ્યારે ભરુચનાં અંકલેશ્વરમાં ૧૭ મીમી, નર્મદાનાં સાગબારામાં ૧૦ મીમી, નવસારી તાલુકામાં ૧૨ મીમી, ડાંગનાં સુબીર તાલુકામાં ૧૩ મીમી, તાપીના નિઝર તાલુકામાં ૫૪ મીમી, સોનગઢમાં ૪૧ મીમી, ઉચ્છલમાં ૯ મીમી અને કુકરમુંડા તાલુકામાં ૬ મીમી, સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ૩૨ મીમી, સુરત સીટીમાં ૬૯ મીમી તથા બારડોલીમાં ૭ મીમી અને પલસાણા તાલુકામાં ૧૬ મીમી જેટલો  વરસાદ વરસ્યો છે. પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના તમામ આઠેય  જિલ્લાઓમાં શ્રીકાર વરસાદ વરસ્યોછે.

ક્યાં કેટલો વરસાદ.....

અમદાવાદ, તા. ૨૫  :ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ક્યાં સૌથી વધુ વરસાદ થયો તે નીચે મુજબ છે.

સ્થળ............................................. વરસાદ (ઇંચમાં)

પાવી જેતપુર.................................... ૪ ઇંચથી વધુ

સુરત શહેર..................................... ત્રણ ઇંચથી વધુ

મેંદરડા..................................................... ત્રણ ઇંચ

માણવદર.......................................... બે ઇંચથી વધુ

ભાવનગર......................................... બે ઇંચથી વધુ

કપડવંજ........................................... બે ઇંચથી વધુ

સોનગઢ........................................... બે ઇંચથી વધુ

દેડિયાપાડા........................................ બે ઇંચથી વધુ

થ્રોલ................................................. બે ઇંચથી વધુ

વાંકાનેર......................................... એક ઇંચથી વધુ

(8:08 pm IST)