Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ભાજપના જયશંકર - જુગલ ઠાકોરે ફોર્મ ભર્યુઃ કોંગીમાંથી ચંદ્રિકાબેન-ગૌરવ પંડયા

રાજ્યસભાના ઉમેદવાર વિદેશ મંત્રી કહે છે ગુજરાત સાથે જોડાવાનું મને ગૌરવઃ રાજ્યની પ્રગતિમાં મારૂ યોગદાન આપીશ

રાજ્યસભાના ભાજપના ઉમેદવારો એસ. જયશંકર અને જુગલ ઠાકોર ઉમેદવારી કરી હતી તે વખતે વિજય રૂપાણી, આર.સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, ભીખુભાઈ દલસાણિયા, કે.સી. પટેલ વગેરેએ ભીખુભાઈ દલસાણિયા, કે.સી. પટેલ વગેરેએ તેમને શુભેચ્છા પાઠવેલ તે પ્રસંગની તસ્વીર

ગાંધીનગર, તા. ૨૫ :. રાજ્યસભાની બે બેઠકો માટે તા. ૫ જુલાઈએ યોજાનાર ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે આજે વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઉત્તર ગુજરાતના બક્ષીપંચ સમાજના અગ્રણી જુગલ ઠાકોર (લોખંડવાલા)એ આજે ચૂંટણી અધિકારી સમક્ષ વિધાનસભા ભવનમાં ઉમેદવારી કરી છે. કોંગ્રેસ તરફથી પૂર્વ મંત્રી શ્રીમતી ચંદ્રિકાબેન ચૂડાસમા અને વલસાડ પંથકના અગ્રણી ગૌરવ પંડયાનું નામ નક્કી થતા બન્નેએ આ લખાય છે ત્યારે ઉમેદવારી પ્રક્રિયા શરૂ કરી છે.

ચૂંટણી પંચે એક જ દિવસે યોજાનારી બે ચૂંટણી માટે અલગ અલગ જાહેરનામા બહાર પાડતા બન્ને માટે અલગ અલગ મતદાન થશે. ભાજપ પાસે ૧૦૦ જેટલા સભ્યોનું સંખ્યા બળ છે. કોંગ્રેસ પાસે ૭૧ જેટલા ધારાસભ્યો છે તેથી ભાજપના બન્ને ઉમેદવારોની જીત નિશ્ચિત ગણાય છે. કોંગ્રેસે બન્નેને બિનહરીફ થતા રોકવા અને ભવિષ્યની સંભવિત કાનૂની લડતને ધ્યાને રાખીને બે ઉમેદવારો મૂકયા છે.

ભાજપના ઉમેદવારોની ઉમેદવારી વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મંત્રી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 pm IST)