Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

૧૯ વર્ષની ઉંમરે વિજયભાઈ રૂપાણીએ 'મીસા' હેઠળ ૧૧ મહિના ભુજ અને ભાવનગરમાં જેલવાસ ભોગવ્યો છે

મુખ્યમંત્રી રૂપાણી કટોકટી દરમિયાન 'મીસા'ના કાળા કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકરઃ કટોકટી દરમિયાન યુવા નેતા વિજયભાઈ રૂપાણીએ અગત્યની ભૂમિકા ભજવી હતી

ગાંધીનગર, તા.૨પઃ ભારતની રાજનીતિનાં ઈતિહાસમાં ૨૫ જૂન ૧૯૭૫ને કલંકિત અને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દીરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર દેશભરમાં કટોકટી જાહેર કરી દીધી હતી. ઈન્દિરા ગાંધી દ્વારા ૧૯૭૫માં લાદવામાં આવેલી કટોકટી દરમિયાન ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જેલયાત્રા ખેડી છે એ સૌ જાણે છે પરંતુ ઘણાને એ ખબર નથી કે, તત્કાલિકન શાસકોએ લોકશાહીને ગળે ટૂંપો દઈને દેશભરમાં કટોકટી લાદી ત્યારે 'મીસા'ના કાળા કાયદા હેઠળ જેલમાં જનારા સૌથી નાની વયના કાર્યકર વિજયભાઈ રૂપાણી હતા. તેમણે 'મીસા'ના કાળા કાયદા હેઠળ ભૂજ અને ભાવનગરની જેલમાં એક વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો છે. દેશમાં જયારે કટોકટી લાદવામાં આવી ત્યારે વિજયભાઈ રૂપાણી કોલેજના છેલ્લાં વર્ષમાં હતા. કટોકટી લાદવામાં આવતા વિજયભાઈ રૂપાણીની ધરપકડ કરી તેમને સૌ પ્રથમ ભૂજની જેલમાં અને ત્યારબાદ ભાવનગનીર જેલમાં રાખવામાં આવ્યા હતા. જેલમાંથી ભણીને જ તેઓએ બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી અને જેલમાં રહીને જ તેઓ ગ્રેજયુએટ થયા હતા.

કટોકટી અંતર્ગત આખાયે દેશને એક જેલખાનું બનાવી દેવામાં આવ્યો હતો. દેશનો કોઈપણ નાગરિક પોતાના વિચારો જાહેરમાં વ્યકત કરી શકતો નહોતો. અખબારો પર સેન્સરશીપ લગાવી દેવામાં આવી હતી. સંસદસભ્યો તેમજ સંસદની કાર્યવાહી પર પણ સેન્સરશીપ લગાવી એક સરમુખત્યાર શાસનનો દેશમાં અમલ કરાયો હતો એ સમયે અટલ બિહારી વાજપાયી, લાલકૃષ્ણ અડવાણીજી, વિજયરાજમાતા સિંધિયા, ગાયત્રીદેવી, બાળાસાહેબ દેવરસ, કેશુભાઈ પટેલ, અરવિંદભાઈ મણિયાર, ચીમનભાઈ શુકલ સહિત હજારો લોકોને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. એ સૌમાં એક સૌથી નાની વયના યુવા નેતા વિજયભાઈ રૂપાણીને પણ જેલમાં બંધી બનાવી લેવામાં આવ્યા હતા. જયાં તેમને ઉંઝાના નારણ પટેલ, વિષ્ણુ પંડ્યા, સ્વર્ગસ્થ અનંત દવે અને મહેન્દ્ર મશરૂ સહિતના ઘણા નેતાઓનું સાંનિધ્ય મળ્યું હતું. સૂર્યકાંતભાઈ આચાર્યની સલાહથી વિજયભાઈ રૂપાણીએ જેલવાસ દરમિયાન ચીનની ક્રાંતિ અને યુરોપની ક્રાંતિ ઉપરાંત રશિયાની ક્રાંતિના પુસ્તકો વાંચ્યાં. એ સમયે સોવિયેત સંદ્ય વધુ મજબૂત હતું. લેનિનની ક્રાંતિની વાત વાંચ્યા બાદ જેલનાં આખાય સમયગાળામાં તેમણે વિશ્વના રાજકારણને વાંચીને સમજવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી વધુ નોંધનીય બાબત એ છે કે, તે સમયે સામ્યવાદ ટોચ પર હતો. જેને સમજવા માટે સોવિયેત સંઘથી આવતા મેગેઝિન અને પુસ્તકો વાંચવા માટે વિજયભાઈ રૂપાણી જેલમાં રહીને રશિયન ભાષા લખતા, વાંચતા અને બોલતા શીખ્યા હતા.

આજે દેશના કહેવાતા બુદ્ઘિજીવીઓ અને જુઠ્ઠા-દંભી બિનસામ્પ્રદાયિકોમાં હિંદુ હિતની વાત કે હિંદુ જાગૃતિ ચળવળને ફાસીવાદી કે કટ્ટરવાદી ગણાવવાની ફેશન ચાલી છે ત્યારે કોંગ્રેસ સરકાર દ્વારા દેશની લોકશાહી અને બંધારણનાં અધિકારોને સંપૂર્ણપણે કચડી નાખવાના ફાસીવાદી અને નાઝીવાદી કૃત્ય કટોકટીનાં સમયગાળા દરમિયાન વિજયભાઈ રૂપાણી સહિતનાં સંદ્ય-પક્ષનાં કાર્યકરોએ દેશની એકતા, અખંડિતા માટે ચલાવેલી ચળવળ અને ભોગવેલી વ્યથા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ચૂકી છે. તત્કાલીન જનસંદ્ય - ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્યે સંગઠનાત્મક-સંખ્યાત્મક શકિત સાથે ઈન્દિરા ગાંધી તેમજ કોંગ્રેસનાં કુકર્મો સામે મજબૂતાઈથી લડત આપતા દેશને કોંગ્રેસની સરમુખત્યારી ચુંગાલમાંથી મુકિત અપાવી હતી જેમાં એક પ્રખર રાષ્ટ્રવાદી નેતા વર્તમાન ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રહ્યાં હતા.

(12:31 pm IST)