Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વાવના રાધાનેસડામાં ગૌચર કૌભાંડ આચરાયું હોવાની આશંકા : ધારાસભ્ય અને ખેડૂતો દ્વારા આવેદન પાઠવાયું

ન્યાય નહીં મળે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી

પાલનપુર : વાવ તાલુકાના રાધાનેસડા ગામે ગૌચરની જમીનનો મૂળ સર્વે નંબર બદલીને સરકારી જમીનને ખાનગી કંપનીને પધરાવી દેવાના કૌભાંડની આશંકાએ વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ખેડૂતો દ્રારા પાલનપુર ખાતે જિલ્લા કલેકટર ની કચેરીએ આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. જેમાં ન્યાય નહીં મળે તો વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

   આ અંગેની વિગત મુજબ વાવ તાલુકાના રાધાનેસડા ગામે ગૌચરની જમીનમાં ડમી અરજદારની અરજીને આધારે રેવન્યુ અધિકારીઓ દ્રારા અબોલ પશુઓના મોઢે થી કોળિયો છીનવી લેવા ગૌચર કૌભાંડ આચરાયું હોવાની આશંકા વર્તાઈ રહી છે. તાજેતરમાં એક ડમી અરજદારની અરજીમાં જૂના સર્વે નંબરની આકૃતિ સ્થળ અને નક્શામાં ફેરફાર થયેલો છે. જોકે ખેડૂતોનો આક્ષેપ છે કે જે ગૌચરની જમીન છે તેની સ્થળ સ્થિતિ અને જમીન માપણીની સીટ અને જમીન નોંધણીને રેવન્યુ અધિકારીઓ દ્રારા બદલી નાખવામાં આવ્યા છે

 . આ ગૌચરની જમીન માટે જેના નામે અરજી કરાઇ છે તેવો કોઈ અરજદાર જ ગામ માં હયાત જ નથી અને ડમી અરજદાર ની અરજીના આધારે તંત્ર દ્રારા ગૌચર ની જમીન ને સોલાર પ્લાન્ટમાં પધરાવી દેવાનો કારસો રચાઈ રહ્યો હોય આ જમીનને ગાયોના નિભાવ માટે બચાવી લેવા માટે વાવના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ખેડૂતો દ્રારા લડત શરૂ કરવામાં આવી છે.

(12:10 pm IST)