Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ગુજરાતમાં વરસાદી માહોલ અકબંધ : નિઝરમાં બે ઈન્ચ

છેલ્લા ૨૪ કલાકમાં ૬૬ તાલુકાઓમાં વરસાદ : ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ૨૪ કલાકમાં ૩ ઇંચથી વધુ વરસાદ : ઉત્તર મધ્ય તેમજ પૂર્વ ગુજરાતમાં વરસાદ

અમદાવાદ,તા.૨૪ : ઉત્તર ગુજરાત અને અન્ય કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદ થયો હતો. ખાસકરીને ખેડામાં અતિભારે વરસાદ જારી રહ્યો છે. ખેડા જીલ્લાના કઠલાલમાં ૨૪ કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે. આવી જ રીતે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતાવણી જારી કરવામાં આવી છે. જેમાં નર્મદા, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને તાપીમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. ઉપરાંત વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો છે. આજે સવારમાં પણ વરસાદ જારી રહેતા કેટલીક જગ્યાએ લોકો સવારમાં અટવાયા હતા. દક્ષિણ-પશ્ચિમ મોનસુન મહારાષ્ટ્રથી ગુજરાત તરફ વધી રહ્યુ છે ત્યારે તેની અસર દેખાઇ રહી છે. આજે સવારમાં તાપી જિલ્લાના નિઝરમાં કલાકોના ગાળામાં કલાકોના ગાળામાં જ બે ઇંચથી વધારે વરસાદ થયો હતો. દક્ષિણ ગુજરાતમાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન વરસાદ રહ્યો છે. નિઝરમાં બે ઇંચથી વધારે વરસાદ  થઇ ગયો છે. જ્યારે સોનગઢ, કુકુરમંુડા ખાતે પણ વરસાદ થયો છે.ડાંગ જિલ્લાના આહવા ખાતે પણ વરસાદ થયો છે. રાજયમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૭૫ મી.મી. એટલે કે ૩ ઇંચ રસાદ વરસ્યો છે. રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, મોરબી, જામનગર, દેવભુમિદ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર મળીને કુલ ૯ જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં બીલકુલ વરસાદ વરસ્યો નથી. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાં અને બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સામાન્ય અમી છાંટણા થયા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૪ જુન ૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાત ઝોનના છ જિલ્લાઓ પૈકી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં પોણા બે ઇંચથી વધુ એટલે કે ૪૩ મીમી, ગાંધીનગર તાલુકામાં એક ઇંચથી વધુ એટલે કે ૨૬ મીમી અને માણસા તાલુકામા ૧૪ મીમી વરસાદ પડ્યો છે. તે ઉપરાંત પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં ૨૦ મીમી, બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ૪૦ મીમી, દિયોદર તાલુકામાં ૪૩ મીમી, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ૧૧ મીમી, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકામાં ૯ મીમી, હિંમતનગર તાલુકામાં ૩૦ મીમી, પ્રાંતિજ તાલુકામાં ૪૯ મીમી, તલોદ તાલુકામાં ૫૦ મીમી અને વિજયનગર તાલુકામાં ૧૦ મીમી વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાત ઝોનના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ૨૪ કલાક દરમિયાન વરસાદ વરસ્યો નથી. જ્યારે તાપીના નિઝર તાલુકામાં ૧૫ મીમી અને કુકરમુંડા તાલુકામાં ૩ મીમી, ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં ૬ મીમી તથા વઘઇ અને આહવા તાલુકામાં જેટલો સામાન્ય વરસાદ વરસ્યો હતો. પૂર્વ મધ્ય ગુજરાત ઝોનના આઠ જિલ્લાઓ પૈકી આણંદ અને વડોદરા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. જ્યારે પંચમહાલ જિલ્લાના મોરવા-હડફ તાલુકામાં ૧૧ મીમી, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં અડધો ઇંચ, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૧૬ મીમી, સંખેડા તાલુકામાં ૨૨ મીમી વરસાદ વરસ્યો હતો. અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકામાં ૩૦ મીમી, સાણંદ તાલુકામાં ૧૦ મીમી અને અમદાવાદ સીટી વિસ્તારમાં ૨૫ મીમી વરસાદ વરસ્યો છે. તો બીજી તરફ ખેડા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. જમાં કઠલાલમાં ૭૫ મીમી, કપડવંજમા ૫૨ મીમી, મહેમદાવાદમાં ૨૨ મીમી, મહુધામાં ૧૭ મીમી અને નડિયાદ તથા વસૌ તાલુકામાં ૧૨ મીમી વરસાદ વરસ્યો છે. આમ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૯ જિલ્લાઓના ૬૬ તાલુકઓમાં વરસાદ વરસ્યો હતો. હજુ પણ રાજ્યના પાંચ તાલુકાઓ સિઝનના વરસાદ વિહોણા છે.

(8:15 pm IST)