Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ખંડણી કેસ : આરોપી ગોસ્વામી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ

પૂર્વ ધારાસભ્યના ભત્રીજા પાસેથી ખંડણી માંગી હતીઃ આરોપી મનીષા ગોસ્વામી વિરૂધ્ધ જમીન કૌભાંડ મામલે નરોડા પોલીસ મથકમાં નવી ફરિયાદ નોંધાતાં ચકચાર

અમદાવાદ,તા. ૨૫: કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના ભત્રીજા સુનીલ ભાનુશાળીને બદનામ કરવાની ધમકી આપીને દસ કરોડની ખંડણી માગનાર મહિલા આરોપી મનીષા ગુજ્જુગીરી ગોસ્વામી વિરુદ્ધમાં વધુ એક જમીન કૌભાંડની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. આ ફરિયાદને પગલે નરોડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીનાં ભાભી સરસ્વતીબહેનનાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને તેમની જમીન બારોબાર મનીષાએ વેચી દીધી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે. થોડાક દિવસ પહેલાં દસ કરોડની ખંડણી માગવાના ચકચારી કિસ્સામાં પોલીસે મનીષાની નવસારીથી ધરપકડ કરી હતી. નરોડાની ગોડીજી પાર્ક સોસાયટીમાં રહેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીનાં ભાભી સરસ્વતીબહેન વસંતભાઇ ભાનુશાળીએ નરોડા પોલીસ સ્ટેશનમાં મનીષા ગુજ્જુગીરી ગોસ્વામી સહિત ચાર લોકો વિરુદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના ભવાનીપુરા ગામની સીમમાં સરસ્વતીબહેનની જમીન આવેલી છે. આઠેક મહિના પહેલાં સરસ્વતીબહેને તેમની જમીનના કાગળો તેમજ હક્કપત્રકની નકલો મેળવી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે સ્પેશિયલ પાવર ઓફ એર્ટનીના આધારે મનીષા ગોસ્વામી અને લીલાવતીબહેન ગોસ્વામી (બંને રહે. ધવડા મોટા ગામ, નખત્રાણા તાલુકો, જિલ્લો કચ્છ-ભૂજ)એ આ જમીન સાબરકાંઠાના ઉમેદપુરા ગામમાં રહેતાં જીતાબહેન પટેલને વેચી દીધી છે. સરસ્વતીબહેને નલિયા સબ રજિસ્ટ્રાર કચેરીથી જમીનના તમામ દસ્તાવેજો કઢાવ્યા ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, મનીષા ગોસ્વામીએ ૧૦૦ રૂપિયાનો સ્ટેમ્પ સરસ્વતીબહેનના નામે ખરીદ્યો હતો અને તેમાં જમીનનો સ્પેશિયલ પાવર ઓફ એટર્ની લીલાવતીબહેનના નામે કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મનીષાએ સ્ટેમ્પ પેપર પર સરસ્વતીબહેનનો ફોટો ચોંટાડ્યો હતો અને તેમની ખોટી સહી કરી હતી જ્યારે સરસ્વતીબહેનના પુત્ર સુનીલભાઇની પણ ખોટી સહી કરી હતી. સ્પેશિયલ પાવર ઓફ એટર્નીના નોટરી આર.એસ.પંચાલ પાસે નોટરાઇઝ કરાવી હતી. ત્યારબાદ આ જમીન જીતાબહેન પટેલને ૨.૩૬ લાખ રૂપિયામાં વેચી દીધા બાદ જમીન માલિકીનો દસ્તાવેજ કરાવી દીધો હતો. જીતાબહેને આ જમીનમાં વારસદાર તરીકે ભરતભાઇ કચરાભાઇ પટેલનું પણ નામ દસ્તાવેજમાં કરાવી દીધું હતું. જમીન જીતાબહેનના નામે થઇ ગયા બાદ દેના બેન્કમાંથી રૂ.૪૫ લાખ રૂપિયાની લોન લીધી હતી. સમગ્ર મામલે સરસ્વતીબહેનના પુત્ર સુનીલભાઇને તેઓ મળ્યા હતા. જેમાં મનીષાએ ખોટા કેસમાંફસાવી દેવાની ધમકી આપી હતી. જેને પગલે આખરે સમગ્ર મામલો પોલીસમથક સુધી પહોંચ્યો હતો.

(9:30 pm IST)