Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કાલથીમુખ્યમંત્રીશ્રી ૬ દિવસના ઇઝરાયલ પ્રવાસે મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ શ્રી વિજયભાઈ રૂપાણીનો પ્રથમ વિદેશ પ્રવાસ

કૃષિ અને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ઇઝરાયલની અદ્યતન ટેક્નોલોજી – અનુભવ જ્ઞાનનું આદાન-પ્રદાન પ્રવાસના કેન્દ્રસ્થાને રહેશે :કૃષિ રાજ્યમંત્રી સહિત ૮ વરિષ્ઠ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ ઇઝરાયલ પ્રવાસમાં જોડાશે : પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીશ્રીવેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ – ડિસેલિનેશન પ્લાન્ટ્સ – એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ તેલઅવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે : ઇઝરાયલમાં વસતા ભારતીય સમુદાયો સાથે સ્નેહમિલનનું આયોજન

ભારત અને ઇઝરાયલના રાજદ્વારી સંબંધોના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની આ ઇઝરાયલ મુલાકાત સવેળાની અને મહત્વપૂર્ણ બની રહેશે. 

શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ઇઝરાયલ જનારુ આ પ્રતિનિધિમંડળ ઇઝરાયલના કૃષિ પ્રધાન શ્રી યુરી એરિઅલ, વિદેશ તથા આંતરરાષ્ટ્રીય સહકાર પ્રધાન શ્રી ગીલ હસ્કેલ અને આર્થિક બાબતો તથા ઉદ્યોગ મંત્રાલયના પ્રધાન શ્રી ઇલી કોહેન સાથે દ્વિપક્ષીય બેઠકો યોજશે તથા ઇઝરાયલ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ, એલ્બિટ સિસ્ટમ્સ, મોબિલઆઇ કોર્પોરેશનની મુલાકાત લઇને ‘મેક ઇન ગુજરાત’ના ભાગરૂપે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે પારસ્પરિક સહયોગના અવસરોની સંભાવનાઓ ચકાસશે. 

આ યાત્રા દરમિયાન ગુજરાતનું પ્રતિનિધિમંડળ વોટર ટેક્નોલોજિઝ અને ઇનોવેશન્સનો ગહન તાગ મેળવવા ઇઝરાયલમાં ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સોરેક ડિસેલિનેશન પ્લાન્ટ, નાનડેન જૈન ઇરિગેશનની મુલાકાત લેવાનું છે. ઇઝરાયલ પણ કૃષિ ટેક્નોલોજી ક્ષેત્રે પોતાના નવિનતમ્ આવિષ્કારોથી આ પ્રતિનિધિ મંડળને માહિતગાર કરશે. 

ઉલ્લેખનીય છે કે કૃષિ ક્ષેત્ર એ ભારત અને ઇઝરાયલ વચ્ચેની ભાગીદારીનું મહત્વનું ક્ષેત્ર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો  લક્ષ્યાંક રાખ્યો છે તેની પૂર્તતા માટે કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા અને નફાકારકતા વધારવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે તેવા સમયે શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં પ્રતિનિધિમંડળની આ મહત્વપૂર્ણ ઇઝરાયલ મુલાકાત યોજાઇ રહી છે. 

અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ઇઝરાયલના પ્રધાનમંત્રી શ્રીયુત બેન્જામિન નેતાન્યાહૂની તાજેતરની ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ઇઝરાયલી પ્રધાનમંત્રીએ સંયુક્તપણે કૃષિ અને જળ ક્ષેત્રમાં પાંચ વર્ષ માટે સહયોગ આયોજનની ઘોષણા કરી હતી. 

 

તદઅનુસાર ૨૦૧૮ થી ૨૦ના ત્રણ વર્ષ માટે આ જોઇન્ટ પ્રોગ્રામ શરૂ પણ થઈ ગયો છે તે અંતર્ગત ભારતમાં કિસાનો- ધરતીપુત્રોને ઇઝરાયેલી ખેતી અને જળ વ્યવસ્થાપન ટેક્નોલોજી જ્ઞાનથી સજ્જ કરવા દેશવ્યાપી સેન્ટર ઓફ એક્સેલન્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 

 ભારત વિશ્વમાં અનાજનું સૌથી વધુ ઉત્પાદન કરનારા રાષ્ટ્રો પૈકીનું એક છે અને અપૂરતા વરસાદ, કૃષિ અને જમીન પ્રાપ્યતાની સમસ્યાઓ ઉકેલવા માટે કૃષિ અને ખેતીવાડી ક્ષેત્રે ટેક્નોલોજીમાં ઇનોવેશનને વેગ આપવા ભારત અને ઇઝરાયલ સાથે મળીને કાર્યરત થશે. 

અત્રે એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માતૃરાજ્ય છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ૨૦૦૬માં શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ ઇઝરાયલ ગયું હતું. 

ઇઝરાયલની માઇક્રો-ઇરિગેશન ટેકનિકથી પ્રભાવિત થઈ શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતમાં તે ટેકનિકનો અમલ કરાવ્યો હતો. પરિણામે રાજ્યના સુકા વિસ્તારોમાં કૃષિના વિકાસ અને ઉપજમાં ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઈ હતી. 

ગુજરાતમાં તેમણે ઇઝરાયલ પદ્ધતિએ ટપક સિંચાઇનો મહત્તમ ઉપયોગ કરીને “પર ડ્રોપ – મોર ક્રોપ”ના મંત્રથી કૃષિ વિકાસ દર ડબલ ડિજિટે પહોંચાડ્યો છે. 

હવે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત પ્રતિનિધિમંડળની આ મુલાકાત આધુનિક કૃષિ સિંચાઇ, જળ વ્યવસ્થાપન, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડિસેલિનેશન પ્લાન્ટ્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ જેવા બહુધા ક્ષેત્રોમાં ગુજરાત-ઇઝરાયલ સહભાગીતાનો નવો અધ્યાય રચશે. 

મુખ્યમંત્રીશ્રીનું આ પ્રવાસ દરમિયાન ભારતીય સમુદાયના ઇઝરાયલમાં વસતા નાગરિકો સાથે સ્નેહમિલન યોજાયું છે. 

શ્રી વિજય રૂપાણી અને પ્રતિનિધિમંડળ તેલ અવીવ મ્યુનિસિપાલિટીના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરની તેમજ ડાયમંડ બુર્સની પણ મુલાકાત લેશે. 

આ ઉપરાંત ઇનોવેશન બ્રિજના ઇઝરાયલી વિજેતાઓ સાથે પણ મુખ્યમંત્રીશ્રીની બેઠક-મુલાકાત યોજવામાં આવી છે. 

મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળ આવતીકાલે મંગળવારે બપોર બાદ ઇઝરાયલ જવા રવાના થશે અને આગામી રવિવાર ૧ જુલાઈએ ગુજરાત પરત આવશે. 

સી.એમ. પીઆરઓ/નિશિથ 

(7:46 pm IST)