Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

દેશી બનાવટની પિસ્તોલ સાથે આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક્ટીવા ચોરને ઝડપ્યો

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સાંજના સુમારે જુની શાકમાર્કેટ પાસેથી એક એક્ટીવા ચોરને દેશી બનાવટની પીસ્ટલ સાથે ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન વધુ બાઈક ચોરી તેમજ હથિયારોની હેરાફેરીની ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસને હકિકત મળી હતી કે, આણંદ શહેરના પોલસન ડેરી કમ્પાઉન્ડમાં રહેતો મહંમદબીલાલ ઈમામુદ્દીન મલેક ટુ વ્હીલરોની ચોરીઓ કરે છે અને આજે સાંજના સુમારે તે ચોરીનું એક્ટીવા લઈને જુની શાકમાર્કેટ પાસે વેચવા માટે આવવાનો છે જેથી પોલીસે વોચ ગોઠવી દીધી હતી. દરમ્યાન પોણા છ વાગ્યાના સુમારે નંબર પ્લેટ વગરના સફેદ કલરના એક્ટીવા ઉપર મહંમદબીલાલ આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને તલાશી લેતાં કમરના ભાગે છુપાવી રાખેલી એક દેશી બનાવટની પીસ્ટલ મળી આવી હતી. પોલીસે હથિયાર અંગેનું લાયસન્સ માંગતા તેની પાસે નહીં હોવાનું બહાર આવ્યું હતુ. 
એલસીબી પોલીસ મથકે લાવીને એક્ટીવા અંગે પુછપરછ કરતાં દશેક દિવસ પહેલાં જ તેણે પોતાના સાગરિત મહંમદસાહીદ અનવરભાઈ વ્હોરાની સાથે ચોરી કર્યાની કબુલાત કરી હતી. જેથી ચોંકી ઉઠેલી પોલીસે તેના વિરૂદ્ઘ આણંદ શહેર પોલીસ મથકે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવીને વધુ પુછપરછ કરતાં મહંમદસાહીદ સાથે આણંદ અને ખેડા જિલ્લામાંથી કુલ પાંચ એક્ટીવાની ચોરી કર્યાની કબુલાત કરી હતી. પોલીસે મહંમદસાહીદને પણ ઝડપી પાડીને વધુ તપાસ અર્થે આણંદ શહેર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા જ્યાં રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે. રીમાન્ડ દરમ્યાન હથિયારોની હેરાફેરી તેમજ વધુ બાઈક-એક્ટીવા ચોરી પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(6:23 pm IST)