Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

૫ રૂ.ની નોટ ચલણમાં હોવા છતાં વેપારીઓની સ્વીકારવામાં આનાકાની

ફેરિયા - વેપારીઓ નથી સ્વીકારતા રૂ. ૫નો નોટ ? : RBIની સ્પષ્ટતા છતાં અફવા ફેલાવી

અમદાવાદ તા. ૨૫ : હવે જયારે તમે શાકવાળાને ત્યાં જાઓ અને તે ૫ રૂપિયાની નોટ ન સ્વીકારે તો આશ્ચર્યચકિત ન થતા. સમજજો કે તમારા વિસ્તારમાં સુધી એ અફવા આવી ચૂકી છે કે ૫ રૂપિયાની નોટ ચલણમાંથી બંધ કરી દેવાઈ છે. છેલ્લા કેટલાક મહિનાથી ૫ રૂપિયાની ચલણી નોટ બંધ થઈ ગઈ હોવાની અફવા વાયુવેગે અમદાવાદ અને ગુજરાતમાં ફેલાઈ છે. ખાસ કરીને પાન પાર્લરવાળા, ચાની કિટલીવાળા, શાકભાજીના વેપારી અને ફૂડ સ્ટોલવાળા ૫ રૂપિયાની નોટ લેવાની ના પાડી દે છે.

ફેબ્રુઆરીમાં પહેલીવાર અફવા ફેલાઈ હતી કે કેટલીક બેંકોએ ૫ અને ૧૦ રૂપિયાની નોટ અને સિક્કા સ્વીકારવાના બંધ કરી દીધા છે. જેના કારણે RBIએ સકર્યુલર બહાર પાડ્યું હતું કે બેંકોએ દરેક પ્રકારની ૫ અને ૧૦ની નોટ તેમજ સિક્કા સ્વીકારવા. તેમ છતાં ગુજરાતમાં આ અફવા હજુ પણ ફેલાયેલી જ છે.

પત્રકારોએ શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈ તપાસ કરી કે કયાં ૫ની નોટ લેવાય છે અને કયાં નથી લેવાતી. જેમાં સામે આવ્યું કે વેપારીઓ અને ગ્રાહકો ૫ રૂપિયાની નોટ લેવામાં આનાકાની કરે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું કે, ૫ રૂપિયાની નોટ ચલણમાં જ છે અને તેને બંધ નથી કરવામાં આવી. રિઝર્વ બેંકના અધિકારીએ કહ્યું કે, '૫ રૂપિયાની નોટ કાયદામાન્ય ચલણ છે. બેંકમાં પણ ૫ રૂપિયાની નોટ સ્વીકારવામાં આવે છે. માટે દુકાનદારો અને નાગરિકોએ પણ ખચકાટ વિના ૫ રૂપિયાની નોટ સ્વીકારી લેવી.'

(3:42 pm IST)