Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બીટ કોઈન્સ અને તેની બહેન જેવી ક્રિપ્ટો કરન્સી અને પોલીસ અધિકારીઓને બારમે ચંદ્રમાં !! વધુ એક અધિકારી સકંજામાં

જગદીશ પટેલ અને અનંત પટેલ બાદ હવે હાલ એસીબીમાં ફરજ બજાવતા પીઆઈ લવકુમાર ડાભી સામે પણ વચેટિયાની ભૂમિકાનો ગુન્હો દાખલ : ૧૪ કરોડની છેતરપીંડીની ૬ સામે ફરીયાદઃ કરોડો રૂપિયા મોટા માથાઓના ફસાયા હોવાની વ્યાપક ચર્ચાઓઃ નોટબંધી બાદ કરોડો રૂપિયાનું સુરત વિગેરે સ્થળેથી રોકાણઃ ઈન્ટરનેશનલ માર્કેટમાં વેચાણ ન થતા કંપની બોગસ હોવાનો ધડાકોઃ તપાસનો ભારે ધમધમાટ : એફઆઈઆરમાં સરથાણા પોલીસે તત્કાલીન સુરત નજીકના કામરેજ પીઆઈ અને હાલ ૬ માસથી એસીબી ભરૂચમાં ફરજ બજાવતા લવકુમાર સામે માત્ર વચેટિયા તરીકે જ ભૂમિકા ભજવ્યાનું ઉલ્લેખઃ બીનસત્તાવાર રીતે પીઆઈ લવકુમાર ડાભીને તેની વચેટિયાની ભૂમિકા ભજાવવા બદલ રૂ. ૮.૫૦ કરોડનું કમિશન મળ્યાની આઈપીએસ અને જીપીએસ લેવલે પોલીસ તંત્રમાં હોટ ટોપીક : રોકાણકારોને લલચાવવા માટે કૌભાંડીયાઓ દ્વારા બેંગકોંકની નાઈટ લાઈફની ટૂર સાથેની લાલચ આપવા ઉપરાંત મર્સિડીસ કાર સહિતની અન્ય કારો પણ ભેટ આપવાની વાત આગળ ધરી ફસાવાતા હતાઃ હાલતૂર્ત ૧૪.૫૦ કરોડની ફરીયાદ આંક અ-ધ-ધ રકમનો હોવાની વ્યાપક ચર્ચાઓઃ એક સૂત્રતા જાળવવા માટે તપાસ સીઆઈડી ક્રાઈમને સુપ્રત કરવા માટે ગાંધીનગરમાં ઉચ્ચ કક્ષાએ વિચારણા શરૂ

રાજકોટ, તા. ૨૫ :. કરોડો રૂપિયાના બીટ કોઈન્સ છેતરપીંડી મામલામાં તપાસ ચલાવતી સીઆઈડી ક્રાઈમ દ્વારા ડીજીપી કક્ષાના સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં ચાલતી તપાસમાં બીટ કોઈન્સ પાર્ટ-૧ ના ફરીયાદી શૈલેષ ભટ્ટનું બીટ કોઈન્સ પડાવી લેવાના ઈરાદે અપહરણ કરી ગોંધી રાખવાના આરોપમાં મહત્વની ભૂમિકા ભજવનાર અમરેલીના તત્કાલીન એસપી અને ટોચના રાજકારણી પરિવાર સાથે ભાગીદારીમાં દ્વારકામાં રીસોર્ટ ધરાવતા હોવાની શંકા છે તેવા જગદીશ પટેલ અને અમરેલી એલસીબીના પૂર્વ પીઆઈ અનંત પટેલ બાદ હવે જે તે સમયના સુરતના કામરેજ પોલીસ મથકના પીઆઈ અને હાલ એસીબી ભરૂચમાં ૬ માસથી ફરજ બજાવતા લવકુમાર ડાભીની સંડોવણી હોવાનું ખુલતા જ બીટ કોઈન્સ કે તેની બહેન સમી ક્રિપ્ટો કરન્સી અને પોલીસ તંત્રને બારમે ચંદ્રમાં હોવાનું આઈપીએસ અને જીપીએસ અધિકારીઓમાં ખાનગીમાં હોટ ટોપીક ચર્ચા બની રહી છે.

સુરત નજીકના સરથાણાના લસકાણા ગામે રહેતા મૂળ સૌરાષ્ટ્રના ચેતનભાઈ ગાંગાણી, રાકેશ પટેલ, જેમીસ ઈટાળીયા અને હીરેન માંગુકીયા વગેરે લોભામણી લાલચમાં ફસાઈને કરોડો રૂપિયા ગુમાવ્યાની ફરીયાદ અરજી સુરતના પોલીસ કમિશ્નર સતિષ શર્માને થતા તેઓએ સૌ પ્રથમ એક પીઆઈ સહિત ૬ શખ્સો સામે ગુન્હા દાખલ કરાવી ડીસીબીને તપાસ સુપ્રત કરતા જ ખળભળાટ મચવા સાથે ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે.

પોલીસ સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ સુરત અને હાલ બહુ વિકસીત એવા 'વેસુ'મા આલીશાન પાર્ટીઓ યોજાતી જેમાં વેસુમાં સાઈટ વસાવી રહેલા કેટલાક જાણીતા માથાઓ દ્વારા લોભામણી લાલચ આપી અને બેંગકોંકની નાઈટ લાઈફની ટૂરની લાલચ સાથે મર્સિડીસ સહિતની ગાડીઓ ભેટમાં આપવાની લાલચો આપવામાં આવતી હતી. સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશો મુજબ નિલેશ નામના શખ્સ હસ્તક બિલ્ડર ગાંગાણી વગેરે દ્વારા મોટા રોકાણ કરવામાં આવેલ. ક્રિપ્ટો કરન્સીની લેવડદેવડ માટે યુઝર્સ આઈડી પાસવર્ડ વગેરે અપાયેલ. જો કે આ બધુ બોગસ હતુ. આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈ જાતની લેવડદેવડ થતી ન હોવાથી સૌને ફસાઈ ગયાનું લાગવા માંડયુ હતું. ફરીયાદમાં એક વકીલ અને હેકર ઉપરાંત ભરૂચમાં એસીબી પીઆઈ તરીકે ફરજ બજાવતા અને જે તે સમયે કામરેજમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા લવકુમાર ડાભી સામે ફરીયાદો કરવામાં આવી હતી. પોલીસ સૂત્રોના કથન મુજબ હાલતૂર્ત તો લવકુમાર ડાભીની વચેટીયાની જ ભૂમિકા સિવાયની અન્ય કોઈ ભૂમિકા ન હોવાનું ખુલ્યું છે. જો કે બીનસત્તાવાર રીતે તેઓને પણ સાડા આઠ કરોડ મળ્યાની ચર્ચા છે.

ક્રિપ્ટો કરન્સીની લેવડદેવડ ન થતી હોવાનું ખુલતા જ સતિષ નામના એક શખ્સનો ભોગ બનેલાઓ પૈકી કેટલાકે સંપર્ક કરતા તેણે પોતાનું પણ અપહરણ થયાનંુ જણાવી હાલ શાંતિ રાખવા જણાવેલ. જો કે છેતરાય ગયાનો અહેસાસ થતા જ વધુ સમય બગાડયા વગર પોલીસનો સંપર્ક કરેલ. આ મામલાના કારણે સડસડાટ દોડતી એસીબીની છબી પણ ઝંખવાય છે. એક સૂત્રતા જાળવવા આ મામલો પણ સીઆઈડી ક્રાઈમને સુપ્રત થાય તો નવાઈ નહિં. નોટબંધી બાદ સુરતના મોટા માથાઓ દ્વારા બીટ કોઈન્સ અને ક્રિપ્ટો કરન્સી જેવી વિદેશી ચલણમાં મોટા પાયે રોકાણ થયાની ચર્ચાને આ કિસ્સાથી સમર્થન મળ્યુ છે.

(3:41 pm IST)