Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ગુજરાતના ૧૦પ તાલુકાઓમાં ઝરમરથી ૮ ઇંચ વરસાદ

છેલ્લા ર૪ કલાકમાં હેત વરસાવતા મેઘરાજાઃ વલસાડના ઉમરગામમાં ૮, કપરાડા ૪, બારડોલી, ગણદેવી ૩ ઇંચ, સુરતમાં દોઢ ઇંચ, અનેક વિસ્તારો જળબંબાકાર : ભારે વરસાદની આગાહી

વાપી, તા. રપ : આ વર્ષે ચોમાસાની સિઝનનો પ્રારંભ જેઠ સુદ અગિયારસ, ભીમ અગિયારસથી થયો છે. જે પ્રારંભેથી જ ધમાકેદાર જણાય છે.

છેલ્લા ર૪ કલાકમાં રાજયના આશરે ૧૦પ તાલુકાઓમાં ૧ મી.મી.થી ર૦પ મી.મી. સુધીનો ભારે વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરાજાએ સૌથી વધુ મહેર દ.ગુજરાત પંથકમાં વલસાડ અને નવસારી તથા ડાંગ જીલ્લામાં વરસાવી છે.

ફલડ્ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડા

દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં જંબુસર ૧૩ મી.મી., તાપી જીલ્લાના તાલુકાઓમાં ડોલવડા ૧૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ૭૩ મી.મી., માંગરોળ ૪૩ મી.મી., પલસાણા ૫૮ મી.મી., સુરત સીટી ૩૭ મી.મી., ઉમરપાડા ૧૫ મી.મી. અને મહુવા ૧૨ મી.મી. તો ડાંગ જીલ્લામાં હળવા ઝાંપટાં નોંધાયા છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૪૨ મી.મી., ગણદેવી ૭૦ મી.મી., જલાલપોર ૨૭ મી.મી., ખેરગામ ૨૫ મી.મી., નવસારી ૨૭ મી.મી.અને વાસંદા ૨૪ મી.મી. તો વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર ૫૮ મી.મી. કપરાડા ૯૭ મી.મી., પારડી ૪૩ મી.મી., વલસાડ ૬૩ મી.મી., વાપી ૧૩૭ મી.મી. અને ઉમરગામ ૨૦૫ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

જયારે મધ્યગુજરાત પંથકમાં અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં અમદાવાદ સીટી ૨૨ મી.મી., બાવળા ૩૫ મી.મી. અને સાણંદ ૨૩ મી.મી. તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં ગલતેશ્વર ૧૫ મી.મી. અને ખેડા ૧૭ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આણંદ જીલ્લાના તાલુકાઓમાં અંાકલાવ ૫૦ મી.મી., સોજીત્રા ૫૨ મી.મી. તારાપુર ૪૮ મી.મી., ઉમરેઠ ૩૩ મી.મી. અને આણંદ ૧૭ મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં વાઘોડિયા ૩૪ મી.મી., જયારે પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં ગોધરા ૧૦ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉ.ગુજરાત વિસ્તારમાં સાબરકાંઠા જીલ્લાના તાલુકાઓમાં ઇડર ૧૮ મી.મી. અને પોષીના ૩૫ મી.મી. વરસાદ નોંધાયેલ છે જયારે અન્ય વિસ્તારોમાં મોટાભાગે વરસાદ નીલ છે અથવા માત્ર ઝાંપટાં નોંધાયા છે.

જયારે કચ્છ હજુ પણ કોરોધાકડ જ રહેવા પામ્યો છે. અહીંના તમામ તાલુકાઓમાં આ સિઝનમાં વરસાદ હજુ નીલ રહેવા પામ્યો છે. હજારો કચ્છી માંડુઓ મેઘરાજાની ભારે આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

દહાલુ, પાલધર, બોધસર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અમદાવાદથી મુંબઇ તરફ જતી અને મુંબઇથી અમદાવાદ તરફ જતી અપ તેમજ ડાઉન લાઇનની મોટાભાગની ટ્રેનોને અસર થવા પામી છે.

મોટાભાગની ટ્રેનો લેઇટ દોડી રહી છે. કેટલીક ટ્રેનોને રસ્તામાં અટકાવતા હજારો મુસાફરો અટવાયા છે. દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગઇકાલ રાત્રેથી શરૂ થયેલો વરસાદ અત્યારે આ લખાઇ રહ્યું છે ત્યારે સવારે ૯:૩૦ કલાકે પણ અવિરત ચાલુ છે.

હવામાન ખાતાએ કરેલી આગાહી અનુસાર આગામી ૪૮ કલાકમાં ખાસ કરીને દ.ગુજરાત પંથકમાં ભારે વરસાદની સ઼ભાવના છે. ઉકાઇ ડેમના ઉપરવાસમાં સરેરાશ ૧ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. હાલની સ્થિતિ અનુસાર બંગાળની ખાડી ઉપર તૈયાર થઇ રહેલ લો પ્રેસર સિસ્ટમને પગલે આગામી સમયમાં ભારે વરસાદ થકી ઉકાઇ ડેમના પંથકમાં નવા પાણીની આવકની આશા ઉભી થઇ છે.

પાણી માટે વલખા મારતા ખેડૂતો મેઘરાજાની આ મહેરથી ભાવવિભોર બન્યા છે. વલસાડ જીલ્લામાં ખાસક રીને ઉમરગામ પંથકમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે.

(12:11 pm IST)