Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મગફળીના ખરીદ-વેચાણમાં ગુજરાત સરકારને રૂ. રરપ કરોડનો ધુંબો

અત્યાર સુધી ર.ર૭ લાખ ટન વેચાણ, આ જ પ્રક્રિયા રહે તો રૂ. ૧,૦૦૦થી ૧,ર૦૦ કરોડની નુકસાની

અમદાવાદ, તા. રપ : ગુજરાતમાંથી સરકારે ખેડૂતો પાસેથી છેલ્લા બે વર્ષમાં ૧૦ લાખ ટનથી પણ વધુ મગફળીની ખરીદી કરી છે અને હાલ તેના વેચાણની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધીમાં થયેલા વેચાણમાં જ સરકારને માત્ર ખરીદી અને વેચાણના ભાવ વચ્ચેના તફાવતમાં જ પ્રજાના રૂ. રરપ કરોડ હોમાઇ ગયા છે. જાણકારોનું કહેવું છે કે જો સરકાર તમામ મગફળીનું વેચાણ આ જ પ્રક્રિયા મારફત કરે તો પણ રૂ. ૧,૦૦૦થી ૧,ર૦૦ કરોડનું નુકસાન જાય તેવી સંભાવના છે.

ગુજરાતમાંથી સરકારે ર૦૧૬માં કુલ ર.ર૭ લાખ ટન અને ર૦૧૭માં ૮.ર૦ લાખ ટન મગફળીની ટેકાના ભાવથી ખરીદી કરી હતી, જેમાંથી ર૦૧૬માં ખરીદેલી મગફળીમાંથી અત્યાર સુધીમાં કુલ ૧.પ૬ લાખ ટનનું વેચાણ થયું છે. એ વર્ષે સરકારે ખેડૂતો પાસેથી રૂ. ૪,રર૦ પ્રતિ કિવન્ટલ (ર૦ કિલોના રૂ. ૮૪૪)ના ભાવથી ખરીદી હતી, જેની સામે સરેરાશ વેચાણ રૂ. ૩૦૦૦ની અંદર અને હાલ માત્ર રૂ. ર,૮૦૦થી રૂ. ર,૯૦૦ વચ્ચે વેચાણ થાય છે. આમ જૂની મગફળી વેચાણમાં માત્ર આ ભાવ તફાવત પ્રમાણે રૂ. ૧૪૦.૮ર કરોડનું નુકસાન ગયું છે.

ખરીફ સિઝન ર૦૧૭માં સરકારે કુલ ૮.ર૯ લાખ ટનની ખરીદી કરી હતી, જેમાંથી ૭૧ હજાર ટનનું વેચાણ થયું છે. સરકારે ખેડૂતો પાસેથી રૂ. ૪,પપ૦ પ્રતિ કિવન્ટલ (ર૦ કિલોના રૂ. ૯૦૦) પ્રમાણે ખરીદી કરી હતી, જેની સામે હાલ રૂ. ૩,૩પ૦થી રૂ. ૩,૪પ૦ના ભાવથી વેચાણ થાય છે, પરિણામે રૂ. ૮૪ કરોડનું નુકસાન થયું છે.

જાણકારો કહે છે કે, સરકારના ખરીદી અને વેચાણ ભાવના તફાવત પ્રમાણે જ અત્યાર સુધી રૂ. રરપ કરોડનું નુકસાન થઇ ચૂકયું છે, જો આ જ ગતિએ બાકીની ૮.રર લાખ ટન મગફળીનું વેચાણ થાય તો પ્રજાના પૈસાનું કુલ રૂ. ૧,૦૦૦થી રૂ. ૧,ર૦૦ કરોડનું નુકસાન જાય તેવી સંભાવના છે. આ ઉપરાંત ખરીદ-વેચાણ માટેની પ્રક્રિયાનો ખર્ચ, ગોડાઉનનું ભાડુ, વેચાણની પ્રક્રિયા માટે રોકાયેલી એજન્સીનું કમિશન સહિતના બીજા ખર્ચાઓ ઉમેરવામાં આવે તો આ નુકસાન મોટું થાય તેમ છે. આમ મગફળીની ટેકાના ભાવથી ખરીદી કર્યા બાદ તેનો યોગ્ય નિકાલ ન થવાને પગલે કરોડો રૂપિયાનું નુકસાન થાય છે.(૮.૪)

 

(11:55 am IST)