Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવા હવે શિક્ષકોની પણ લેવાશે પરીક્ષા!

હવે શિક્ષકોની પણ કસોટી : ‘શિક્ષક સજ્જતા કસોટી' લેવાશે

અમદાવાદ તા. ૨૫ : આ વર્ષથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ જ નહીં શિક્ષકોએ પણ વાર્ષિક પરીક્ષા આપવી પડશે. શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્‍યા પ્રમાણે, રાજયમાં આવેલી ૩૬,૦૦૦ સરકારી શાળાઓના શિક્ષકોની નબળાઈ અને સામર્થ્‍ય ઓળખીને રાજયમાં શિક્ષણનું સ્‍તર ઊંચું લાવવાનું લક્ષ્ય છે. શિક્ષકોની આવડતની ચકાસણી માટે પરીક્ષા લેવાશે કોઈ ગ્રેડ આપવામાં નહીં આવે. ખાનગી શાળાના શિક્ષકોની પરીક્ષા નહીં લેવાય.

શિક્ષણ અગ્ર સચિવ સુનયના તોમર સહિત શિક્ષણ વિભાગના ઉચ્‍ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં રાજયમાં કથળતી શિક્ષણની સ્‍થિતિ અંગે ચર્ચા કરાઈ. ચર્ચાના અંતે ‘શિક્ષક સજ્જતા કસોટી' લેવાનું નક્કી કરવામાં આવ્‍યું છે. આ કસોટી ઓગસ્‍ટ-સપ્‍ટેમ્‍બર ૨૦૧૮માં લેવાય તેવી શક્‍યતા છે. શિક્ષણ વિભાગનો દાવો છે કે શિક્ષકોની સામાજિક આવડત, વિષય અંગેની સમજ અને શિક્ષણકળાની ચકાસણી માટે કસોટી લેનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે.

પરીક્ષાની રૂપરેખા GCERT (ગુજરાત કાઉન્‍સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્‍ટર) દ્વારા તૈયાર કરવામાં આવી છે. GCERTના ડિરેક્‍ટર ટી.એસ. જોષીએ જણાવ્‍યું કે, ‘૧૫૦ માર્કની પરીક્ષા લેવાશે, જેમાં સ્‍કૂલમાં ભણાવાતા વિવિધ વિષયો ઉપરાંત એપ્‍ટીટ્‍યુડ અને શિક્ષણકળાની પણ કસોટી થશે. દેશના અન્‍ય કોઈ રાજયમાં આ પ્રકારે પરીક્ષા લેવાતી હોય તે અંગે સાંભળ્‍યું નથી. આ કસોટીનો હેતુ શિક્ષકોને વિવિધ માપદંડોને આધારે ચકાસી તેઓ નબળા હોય તે વિષયમાં સુધારો કરી શકે તેવો છે. ત્‍યાર બાદ શિક્ષકોને ટ્રેનિંગ પણ આપવામાં આવશે.'

રાજયના વિદ્યાર્થીઓ ગુજરાતી અને અંગ્રેજી વિષયની સાથે સાથે ગણિત અને વિજ્ઞાનમાં પણ નબળા હોવા બાબતે ટીકા થઈ છે. આગામી સત્રથી NCERT (નેશનલ કાઉન્‍સિલ ઓફ એજયુકેશનલ રિસર્ચ અને ટ્રેનિંગ)નો અભ્‍યાસક્રમ અપનાવાશે જે શિક્ષકો માટે પડકારરૂપ છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે, શિક્ષકોની કસોટી લેવાથી નબળા પાસા જાણીને વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી શકાશે.

(10:52 am IST)