Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સુરતના ભટાર વિસ્તારમાં મદદના બહાને વૃદ્ધાને રિક્ષામાં બેસાડી 1.12 લાખના દાગીનાની ઉઠાંતરી કરનાર ત્રણને ઝડપવામાં પોલીસને મળી સફળતા

સુરત: શહેરના ભટાર વિસ્તારમાં વૃધ્ધાને આગળ ઉભેલા બાઇક સવાર તમારા દાગીના ઉતરાવી લેશે તેવો ડર બતાવી મદદના બહાને રીક્ષામાં બેસાડી ચાલુ રીક્ષામાં હજી પણ પીછો કરે છે એમ કહી સોનાની ચેઇન અને કંગન મળી રૂ. 1.12 લાખના દાગીના ઉતરાવી રફુચક્કર થઇ જનાર ટોળકીની બે મહિલા સહિત ત્રણને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.

એલસીબી ઝોન 3 એ બાતમીના આધારે ઉધના-મગદલ્લા રોડ રોકડીયા હનુમાન મંદિર પાસેથી સાહીનબી અહેમદ સૈયદ (ઉ.વ.32 રહે. સંજયનગર, નવા કમેલા, રીંગરોડ), સુશીલા ઉર્ફે મીના અમર ચૌધરી (ઉ.વ. 58 રહે. જીવનજ્યોત નગર, ઉધના મેઇન રોડ) અને હુસૈન ઉર્ફે લમ્બુ ભીકન શેખ (ઉ.વ.22 રહે. ખ્વાજાનગર, માન દરવાજાની પાછળ, રીંગરોડ) ને ઝડપી પાડયા હતા. જે પૈકી સાહીનબી પાસેથી સોનાની ચેઇન રૂ. 75 હજાર અને હુસૈન પાસેથી બાઇક નં. જીજે-5 કેવાય-0539 કિંમત રૂ. 65 હજાર મળી કુલ રૂ. 1.40 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. ઉલ્લેખનીય છે કે પાંચેક દિવસ અગાઉ સુખીદેવી જૈન (ઉ.વ.6) કેબીષા એપાર્ટમેન્ટ, ભટાર) કાપડીયા હેલ્થ ક્લબ નજીક ઉભા હતા ત્યારે ઉપરોકત ટોળકીએ રીક્ષામાં ઘસી જઇ આગળ ઉભેલી બાઇક સવાર તમારા દાગીના ઉતરાવી લેશે, ચાલો હું તમને ઘરે છોડી દઇશ. એમ કહી વિશ્વાસ કેળવી રીક્ષામાં બેસાડી ચાલુ રીક્ષામાં બાઇક સવાર હજી પણ પીછો કરે છે એમ કહી સોનાની ચેઇન અને કંગન ઉતરાવી લીધા હતા.

 

(6:29 pm IST)