Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

આંકલાવ તાલુકાના લાલપુર ગામની એક સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 1.99 લાખની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

આણંદ : આંકલાવ તાલુકાના લાલપુરા ગામની એક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી રૂા.૧.૯૯ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ આંકલાવ પોલીસ દફતરે નોંધાયો છે. પોલીસે અજાણ્યા ચોર શખ્શો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકલાવ તાલુકાના લાલપુરા ગામે અલ્કાપુરી સોસાયટીમાં ભગુભાઈ જેઠાભાઈ સોલંકી પરિવાર સાથે રહે છે. ગત તા.૨૩મીના રોજ રાત્રિના સુમારે તેઓ ઘરને તાળુ મારી પરિવારજનો સાથે ઘરની બહાર સુઈ ગયા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોને મકાનનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના લાકડાના કબાટમાં મુકેલ લોખંડની પેટીમાં મુકેલ સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂા.૧,૨૫,૦૦૦ મળી કુલ્લે રૂા.૧,૯૯,૫૦૦ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બીજા દિવસે સવારે ભગુભાઈ અને પરિવારના સભ્યો જાગતા ઘરનું તાળુ તુટેલું તેમજ ઘરનો સામાન વેરવિખેર જોતા ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડયું હતું. જેથી તેઓએ આંકલાવ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભગુભાઈ સોલંકીની ફરિયાદના આધારે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:29 pm IST)