Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

બેન્‍ક એકાઉન્‍ટમાં નોંધાવેલ મોબાઇલ ન઼બર બંધ કરી દીધા બાદ બેન્‍કમાં કેન્‍સલ ન કરાવ્‍યો હોય તો ચેતી જજો નહીં તો એકાઉન્‍ટમાંથી રૂપિયા ખાલી થઇ જશે

વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે આવી રીતે છેતરપીંડી કરતા સુરત-ભાવનગર-બોટાદના 6 શખ્‍સોને ઝડપી લીધા

વલસાડઃ વલસાડ પોલીસે 6 શખ્‍સોને ઝડપી લઇને પૂછપરછ કરતા મોબાઇલ નંબરના આધારે છેતરપીંડી કરતા હોવાનું ખુલ્‍યુ છે.

જો આપના પણ બેંક એકાઉન્ટમાં નોંધાવેલો મોબાઈલ નંબર બંધ કરી દીધો હોય અને બેંકમાં નોંધાવેલ જૂનો નંબર હજુ સુધી કેન્સલ ન કરાવ્યો હોય તો ચેતી જજો. નહિ તો આપની પણ આ નાની ભૂલ કે ચૂક કે બેદરકારી ખૂબ મોંઘી સાબિત થઇ શકે છે. આપનું બેન્ક એકાઉન્ટ પણ સાફ કરાવી શકે છે. વલસાડ જિલ્લાની સાઇબર ક્રાઇમ પોલીસે એક નિવૃત કર્મચારીના બેંક એકાઉન્ટમાંથી ઓનલાઇન ઠગાઈ કરી એકાઉન્ટમાંથી 5 લાખ 30 હજારથી વધુની રકમની ઉઠાંતરી કરનાર એક સાયબર ઠગ ટોળકીને ઝડપી પાડી છે. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે સુરત ભાવનગર અને બોટાદથી 6 આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે.

વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ પોલીસને એક ફરિયાદ મળી હતી. જેમાં વલસાડના એક નિવૃત્ત કર્મચારીએ તેમની જાણ બહાર કોઈ ભેજાબાજે તેમના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી રૂપિયા પાંચ લાખ 30 હજારથી વધુ રકમની ઉઠાંતરી કરી અને તેમની સાથે ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી નિવૃત્ત કર્મચારી હોવાથી પોલીસે પણ આ બાબતને ગંભીરતાથી લઇ એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી ઠગાઈ કરનાર આરોપીઓ સુધી પહોંચવા તપાસ તેજ કરી હતી. આ દરમિયાન વલસાડ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓ સુધી પહોંચવા સાઈબર એક્સપર્ટ અને ટેકનિકલ એનાલિસિસ કરી અને ઉંડાણપૂર્વક તપાસ કરી હતી. આથી પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી. વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની ટીમ સુરત બોટાદ અને ભાવનગર એક સાથે પહોંચી હતી. મામલામાં સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા મુખ્ય ભેજાબાજ એવા રાહુલ ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી હતી. તેની આગવી ઢબે પૂછપરછ કરતા બાકીના પણ આરોપીઓ પોલીસના હાથે લાગી ગયા હતા. પોલીસે નિવૃત્ત કર્મચારીના ખાતામાંથી ઓનલાઇન ટ્રાન્સફર કરી ઠગાઈ કરનાર મુખ્ય આરોપી રાહુલ ચૌહાણની સાથે અન્ય પાંચ આરોપીઓ મળી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી.

કેવી રીતે કૌભાંડ કર્યું

ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાં નોંધાવેલો પોતાનો જૂનો મોબાઈલ નંબર વર્ષ 2013માં બંધ કરી દીધો હતો. પરંતુ બેંક એકાઉન્ટમાં નોંધાવેલ મોબાઈલ નંબર તેઓ એકાઉન્ટ સાથે કેન્સલ કરાવવાનું ભૂલી ગયા હતા. આ દરમ્યાન લાંબા સમય સુધી તેમનો મોબાઈલ નંબર બંધ રહેતા મોબાઈલ કંપનીએ જૂનો નંબર આ કેસના મુખ્ય આરોપી રાહુલ ચૌહાણના નામે કર્યો હતો. ત્યારે પણ ફરિયાદીનો જૂનો નંબર તેમના બેન્ક એકાઉન્ટ સાથે એટેચ હતો. આથી ફરિયાદી જ્યારે પોતાના બેંક એકાઉન્ટમાંથી જે પણ રકમની ટ્રાન્સફર કરતા હતા કે નાણાંકીય વ્યવહાર કરતા હતા તે મેસેજ આરોપી રાહુલ ચૌહાણની પાસે જે નંબર આપ્યો હતો, તે નંબર પર જતા હતાં. આથી અવારનવાર બેંકના ટ્રાન્ઝેક્શનના મેસેજ આવતા આરોપીએ તેના પરિચિતોના માધ્યમથી બેંક ઓફ બરોડાના મેનેજર અને કર્મચારી સાથે મળી અને ફરિયાદીના બેંકના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ચાઉ કરવા માટે પ્લાન બનાવ્યો હતો.

જે મુજબ ફરિયાદીનો જૂનો મોબાઈલ નંબર જે આરોપી નામે થયો હતો તે મોબાઇલ નંબરના આધારે આરોપીએ બેંકના કર્મચારી અને મેનેજર સાથે મળી અને ઓનલાઇન બેન્કિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. ઓનલાઈન બેન્કિંગની સુવિધા શરૂ કરી ફરિયાદીના એકાઉન્ટ નંબરમાંથી 5 લાખ 30 હજાર રૂપિયાથી વધુ રકમ સગા સંબંધીઓના એકાઉન્ટ નંબરમાં ટ્રાન્સફર કર્યા હતા. મુખ્ય આરોપીએ ખાતામાં નાણાં જમા કરાવવાની બદલે કમિશન આપવાની લાલચ આપી સંબંધીઓના બેંક એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ એટીએમ અને અન્ય માધ્યમોથી સહ આરોપીઓને કમિશન આપી બાકીના નાણાં રોકડ લઇ લીધા હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓની ધરપકડ કર્યા બાદ હવે ઉઠાંતરી કરેલા નાણાંની રકમ પરત મેળવવા આરોપીઓની આગવીઢબે પૂછપરછ શરૂ કરી હતી.

એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ ફરિયાદીના બેંકના એકાઉન્ટ સાથે નોંધાવેલો જુના મોબાઇલ નંબરનો ઉપયોગ કરી અને ઓનલાઇન બેન્કિંગના માધ્યમથી ફરિયાદીના ખાતામાંથી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરી અને ઠગાઈ કરી હતી. પોલીસના હાથે ઝડપાયેલા મોટાભાગના આરોપીઓ એકબીજાના સંબંધી નીકળ્યા.

(5:29 pm IST)