Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : ત્રણ મહિનામાં બીમારીમાં ત્રણ ગણો વધારો

મે મહિનામાં ઝાડા ઉલ્ટીના 550 કેસ , કમળાના 110 કેસ અને ટાઈફોઈડના 177 કેસ નોંધાયા

અમદાવાદમાં ગરમી વધી છે એની સાથે રોગચાળો પણ વધ્યો છે. ઝાડા, ઉલટી, ટાઈફોઇડ અને કમળાના વધતાં કેસ નાગરિકોની ફિકર વધારી રહ્યા છે. ત્યારે હાલ અમદાવાદમાં ઉનાળાની ગરમીમાં  લોકો પીવાના પાણી માટે ટળવળી રહ્યા છે. ત્યારે દૂષિત પાણીથી  પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. સ્થિતિ એવી છે કે, પાણી જન્ય રોગચાળામાં ગત ત્રણ મહિનામાં ત્રણ ગણો વધારો થયો છે. જેમાં ઝાડા, ઉલટી, ટાઈફોઇડ અને કમળાના કેસમાં વધારો નોંધાયો છે.

 મે મહિનામાં ઝાડા ઉલ્ટીના 550 કેસ નોંધાયા છે તો કમળાના મે મહિનામાં 110 કેસ, ટાઈફોઈડના 177 કેસ નોંધાયા છે. વર્ષ 2022માં ઝાડા ઉલ્ટીના 2112 કેસ અને કમળાના 596 કેસ નોંધ્યા છે. વર્ષ 2022માં ટાઈફોઈડના 614 કેસ અને 6 માસમાં કોલેરાના 7 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે ઉનાળામાં લૂ લાગવાના 44 કેસ નોંધાયા છે. એપ્રિલના અંત અને મેં મહિનામાં લૂ લાગવાના નોંધપાત્ર કેસ જોવા મળ્યા છે. શહેરની સોલા સિવિલ, LG હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. શહેરના ઘણા વિસ્તારમાં દૂષિત પાણી મળતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરની હોસ્પિટલો ઉભરાઈ રહી છે.

 

(12:53 am IST)