Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સાહેબ અમારા વિસ્તારમાં બે રોક ટોક ગેરકાયદે રેતી ખનન ચાલે છે, અટકાવો: નરખડી ગ્રામજનોની કલેકટરને રજૂઆત

નાંદોદના નરખડી ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગ્રામજનોમાં રોષ : ગ્રામજનો રજુઆત કરવા ખાણ ખનીજની ઓફિસમાં પહોંચ્યા: નરખડી ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ગ્રામજનોએ નર્મદા જિલ્લા કલેક્ટરને કરી રજુઆત: નરખડી ગ્રામ પંચાયતનાં તલાટીએ અગાઉ રેતી ખનનની રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગ્રામ પંચાયતની હદમાં વડોદરા જિલ્લાનો લીઝ સંચાલક ગેરકાયદેર રેતી ખનન કરતો હોવાની તલાટી ડો.નીતા પટેલે રજુઆત કરી હતી.એ બાદ નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી.તે છતાં પણ ત્યાં ગેરકાયદેસર રેતી ખનન ચાલું હોવાનાં આક્ષેપ સાથે નરખડીના ગ્રામ પંચાયતના તલાટી ડો.નીતા પટેલ, સરપંચ શંકર વસાવા, ડેપ્યુટી સરપંચ અલ્પેશ માછી સહીતના અન્ય ગ્રામજનોએ નર્મદા જિલ્લા કલેક્ટરને લેખીત રજુઆત કરી હતી.
નરખડીના ગ્રામજનોએ પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે અમારી હદમાં કોઈ પણ પરવાનગી વિના ગેરકાયદેર રેતી ખનન થઈ રહ્યુ છે, નર્મદાના બંને કાંઠે રૂંઢથી લઈ પોઇચાના ભાઠા સુધી ચાલતી લીઝોની સરહદ નરખડી ગામની હદમાં આવે છે.જેમાં લીઝ ધારકો પોતાની સીમા ઓળંગી રેતી ખનન કરી રહ્યાં છે.નરખડીના ગ્રામજનોએ ગેરકાયદેસર લીઝ બંધ કરવા જણાવ્યું છતાં લીઝ ધારકો સીમા ઓળંગી રેતી ખનન કરી રહ્યા છે.જેથી અમારા વિસ્તારમાં ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા અમારી રજુઆત છે.
નરખડી ગ્રામ પંચાયતના તલાટી ડો.નીતા પટેલ, સરપંચ શંકર વસાવા સહિત નરખડી ગામની મહિલાઓ નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગની કચેરીએ પણ પહોચી હતી, અને પોતાના વિસ્તારમાં ચાલતુ ગેરકાયદેસર રેતી ખનન તુરંત બંધ કરાવવા ઉગ્ર સ્વરે રજુઆત પણ કરી હતી.જો કોઈ યોગ્ય કાર્યવાહી નહિ કરવામાં આવે તો ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ રજુઆત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

 અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ તલાટીએ રજુઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે.નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગ પણ આ મુદ્દે યોગ્ય કડક કાર્યવાહી નહિ કરે તો સરકારને અને ગ્રામ પંચાયતને મોટું નુકશાન થશે સાથે સાથે ઊંડા ખાડાને લીધે ચોમાસામાં લોકો ડૂબી જવાના બનાવો પણ બનશે એમ ગ્રામજનોએ જણાવ્યું હતું.

(11:04 pm IST)