Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમદાવાદની બે હૉસ્પિટલોને કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવા હાઇકોર્ટ આપ્યો આદેશ

UN મેહતા હૉસ્પિટલનું નવું બિલ્ડીંગ અને VS હોસ્પિટલને કોરોનાની સારવારમાં જોતરવા માટે સરકારને આપ્યા નિર્દેશ

અમદાવાદ : કોરોનાના દર્દીઓની સારવાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જૂની વી.એસ.હોસ્પિટલની ક્ષમતાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે ઝડપથી કામગીરી હાથ ધરે. તેવો  ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો છે આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે યુએન મહેતા હોસ્પિટલના નવા બિલ્ડિંગનો ઉપયોગ પણ કોરોનાના દર્દીની સારવાર માટે કરવામાં આવે.
         હાઇકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે તેના ધ્યાન પર આવ્યું છે કે વી.એસ.હોસ્પિટલમાં 700 પથારીઓ ની સુવિધા છે જે કોરોના ના દર્દીઓ માટે વધુ ઉપયોગી નીવડશે. જેથી આ હોસ્પિટલ નો ઉપયોગ થવો જોઇએ. હાઈકોર્ટે પણ કહ્યું છે કે યુએન મહેતા હોસ્પિટલનું નવું બિલ્ડીંગ સુવિધાઓથી સજ્જ છે અને ત્યાં પૂરતો સ્ટાફ છે, પરંતુ તેનો ઉપયોગ થતો નથી.
         આ બિલ્ડીંગનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે કરવામાં આવે. આ જ હોસ્પિટલના જૂના બિલ્ડિંગનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. હાઇકોર્ટે તેના આદેશમાં એ પણ કહ્યું છે કે બાપુનગરમાં સ્થિત ઈએસઆઈસી હોસ્પિટલ, નગરી આંખની હોસ્પિટલ અને અસારવા સિવિલમાં સ્થિત આંખની હોસ્પિટલનો ઉપયોગ પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે કરી શકાય તેમ છે.

(10:46 pm IST)