Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજસ્થાન હોસ્પિટલ સેક્રેટરીને ઝૂમ એપ દ્વારા હટાવી દેવાયા

ચેરમેન પર સત્તાનો દુરુપયોગનો આક્ષેપ : ઝૂમ એપ દ્વારા મિટિંગ કરી ઠરાવ કરી શકાય કે કેમ તે અંગે કાયદાકીય સલાહ લેવાઈ : ચેરમેનના કામોથી સભ્યો નારાજ

અમદાવાદ, તા. ૨૫ : અમદાવાદ શહેરના શાહીબાગ ખાતે આવેલ ૩૮ વર્ષ જૂની રાજસ્થાન હોસ્પિટલમાં સત્તાપરિવર્તન થયાના દોઢ જ વર્ષમાં ચેરમેન દ્વારા ઝૂમ એપ દ્વારા મિટીંગ  બોલાવીને સેક્રેટરીનેે હટાવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટીઓ  દ્વારા ખેચતાણ ચાલી રહી છે. રાજસ્થાન હોસ્પિટલમાં તમામ ટ્રસ્ટીઓ દ્વારા એકિઝકયુટિવ ચેરમેન તરીકે પી. આર. કાકરિયાની નિમણૂંક કરવામાં આવી હતી. આ પછી કેટલાક વિરોધી ગ્રુપ દ્વારા ચેરિટી કમિશનરમાં પોસ્ટ અંગે અરજી કરીને વિખવાદ ઉભો કર્યો હતો. પરંતુ ચેરિટી કમિશનર દ્વારા એકિઝકયુટિવ ચેરમેનની પોસ્ટને કાયદેસર ગણી હતી.જેની સામે કેટલાક ટ્રસ્ટીઓ સિટી સિવિલ કોર્ટમાં દાવો કર્યો હતો. આ પછી રાજસ્થાન હોસ્પિટલના ચેરમેન સતિષ હુડિયા ટ્રસ્ટીની મિનીટ બુક સહિતની વસ્તુઓ પોતાના ઘરે લઈ ગયા હતા.

          બાદમાં ઝૂમ એપ દ્વારા પોતાના ટ્રસ્ટીઓની મિટીંગ બોલાવી દીધી હતી. જેમાં હાલના સેક્રેટરી મહેન્દ્ર શાહને હટાવીને તેમની જગ્યાએ પ્રકાશ બાગરેચાને મુકવાનુ નક્કી કર્યુ છે. ઉપરાંત રાજસ્થાન હાઈસ્કૂલની ટ્રસ્ટીઓની ચૂંટણીઓ કરવાની જગ્યાએ ૨૫ જણાની ગેરકાયદેસર નિમણૂંક કરી દેવામાં આવી છે. આમ રાજસ્થાન હોસ્પિટલમાં સત્તા પરિવર્તન થયા બાદ સભ્યોને એમ હતુ કે, હવે નવી બોડી પ્રજાની સેેવા કરશે તેની જગ્યાએ  અત્યારે રાજકીય અખાડો બનાવી દીધો છે. રાજસ્થાન હોસ્પિટલના મોટાભાગના સભ્યોનું કહેવુ છે કે, શુ  રાજકીય અખાડો બનાાવવા  માટે સત્તા પરિવર્તન કરવામાં આવ્યુ હતુ.

           અત્યારે કોવિડ -૧૯ની દેશભરમાં મહામારી ચાલી રહી છે ત્યારે  ઝૂમ એપ દ્વારા બિમાર લોકોને સારવાર આપવાની વાત કરવાની હતી તેની જગ્યાએ ટ્રસ્ટીઓના આંતરિક ડખ્ખામાં નિસ્વાર્થ સેવા આપી રહેલા મહેન્દ્ર શાહને કેમ હટાવવામાં આવ્યા.સભ્યોએ એમ પણ કહ્યુ હતુ કે, ઝૂમ એપ દ્વારા સેક્રેટરીને હટાવી શકાય નહીં.  આ માટે આગામી દિવસોમાં કાયદાકીય સલાહ મેળવીને ચેકિટી કમિશનર થી માંડીને ગુજરાત હાઈકોર્ટ સુધી દ્વાર ખખડાવીશુ.  રાજસ્થાન હોસ્પિટલમાં ટ્રસ્ટીઓની મીટિંગ બોલાવવા માટેની સત્તા માત્ર સેક્રેટરી પાસે જ છે. આમ છતાં ચેરમેને તેમની સત્તાનો દુરઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ઝૂમ એપ દ્વારા મીટિંગ બોલાવીને નિર્ણય લીધો છે.

રાજસ્થાન હોસ્પિટલમાં ડિપોઝીટ ઉપર નજર છે

અમદાવાદ, તા. ૨૫ : રાજસ્થાન હોસ્પિટલ આશરે ૩૮ વર્ષ પહેલા શાહીબાગ ખાતે બનાવવામાં આવી છે. જેમાં કુલ ૬૦ જેટલા ટ્રસ્ટીઓ છે. રાજસ્થાન  હોસ્પિટલમાં પહેલા એક હથ્થું શાસન ચાલતુ હતુ. તેવામાં આશરે દોઢ વર્ષ પહેલા યોજાયેલ ચૂંટણીમાં ડબી ઉમેદવારોને મતદાનનો હક્ક છીનવી લેવામાં આવ્યો હતો. જેના લીધે રાજસ્થાન હોસ્પિટલમાં સત્તા પરિવર્તન થયુ હતુ.જેેમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે સતીષ હુડિયા, એકિઝકયુટિવ ચેરમેન તરીકે પી.આર.કાકરિયાની નિમણૂંક કરવામાં આવી હતી. આ પછી કેટલાક ટ્રસ્ટીઓનું ધાર્યું કામ ન થતા ચેરિટી કમિશનર કચેરીમાં જઈને વિખવાદ ઉભો કર્યો હતો. જે હાલ સિટી સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. રાજસ્થાન હોસ્પિટલના સભાસદો માને છે કે, કેટલાક લોકોેને બેંકમાં પડેલ ૧૦૦ કરોડની ડિપોઝીટો ઉપર નજર છે.

કેમ વિવાદ ઉભો થયો...

અમદાવાદ, તા. ૨૫ : રાજસ્થાન હોેસ્પિટલના ચેરમેન સતીષ હુડિયાએ મિનીટ બુક સહિત ટ્રસ્ટીઓના દસ્તાવેજો સેક્રેટરી મહેન્દ્ર શાહ પાસે માગ્યા હતા. જે સેક્રેટરીએ આપવાનો ઈન્કાર કર્યો હતો. પછી સતીષ હુડિયાએ હોસ્પિટલના અન્ય હોદ્દેદાર પાસેથી ટ્રસ્ટની મિનીટ બુક સહિત ઘરે લઈ ગયા હતા. બાદમાં ઝૂમ એપ દ્વારા મિટીંગ બોલાવી દીધી હતી અને તુરત સેક્રેટરી મહેન્દ્ર શાહને હટાવી દેવાનો નિર્ણય લઈને પ્રકાશ બાગરેચાની નિમણૂંક કરી દીધી હતી. જો કે, ઝૂમ એપ દ્વારા બોલવવામાં આવેલ મિટીંગમાં કોવિડ-૧૯ કે હોસ્પિટલમાં આવતા બિમાર વ્યકિતઓની સારવારની કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી. આમ  ચેરમેન અને તેમની મંડળી દ્વારા મનસ્વી રીતે નિર્ણય લઈને તમામ ટ્રસ્ટીઓને બદનામ કરવાનું કૃત્ય આચરવામાં આવ્યુ હોવાનુંં ફલિત થાયછે.

કાયદા વિરુદ્ધનો નિર્ણય- ટ્રસ્ટના કાયદાકીયવિદ

અમદાવાદ, તા. ૨૫ : ટ્રસ્ટના નિષ્ણાંતોના મતે રાજસ્થાન હોસ્પિટલ દ્વારા ઝૂમ એપ દ્વારા બોલાવવામાં આવેલ મિટીંગ કાયદેસર ગણાય નહીં, કારણ કે, કોવિડ-૧૯ની મહામારી ચાલી રહી છે. ચેરિટી કમિશનરની કચેરી છેલ્લા બે માસથી બંધ છે અને ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટીઓને લોકોની સેવા કરવા અને મહામારીમાં મદદ કરવા માટે આહવાન કર્યુ છે, તેવામાં ટ્રસ્ટીઓની મિટીંગ ઝૂમ એપ દ્વારા બોલાવીને મનસ્વી રીતે લીધે નિર્ણય કાયદાનું વિરુદ્ધ છે તે કાયદા વિરુદ્ધ છે. ટ્રસ્ટનું કામ સેવા કરવાનું છે ત્યારેઆ રીતે ઝૂમ એપ દ્વારા મિટીંગ બોલાવીને રાજકીય નિર્ણય લેવામાંઆવ્યો છે.

(9:42 pm IST)