Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગુજરાતમાં બે દિવસ સુધી હિટવેવ રહેવાની આગાહી

રાજસ્થાનમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી પર પહોંચ્યો : સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં હિટવેવની અસર રહેશે : રાજ્યભરમાં ગરમીનો પારો ૪૫થી ઉપર પહોંચ્યો

અમદાવાદ, તા. ૨૫ : રાજ્યમાં તાપમાનનો પારો દિવસેને દિવસે ઊંચો જઈ રહ્યો છે. આવામાં ગુજરાતમાં બે દિવસ સુધી હિટવેવ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતમાં હિટવેવની અસર રહેશે તેમ જણાવવામાં આવ્યું છે. પાડોશી રાજ્યમાં પણ ગરમીનો આકરો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. આજે રાજસ્થાનમાં આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી પર પહોંચી ગયો છે. ગરમીનો આકરો મારો થવાના કારણે લોકોની સ્થિતિ કફોડી બની રહી છે. રાજ્યની રાજધાની જયપુરમાં ગરમીનો પારો સૌથી ઉપર પહોંચ્યો છે.

જયપુરમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રી પર પહોંચ્યો છે. ભારે ગરમીની અસર લોકો પર જોવા મળી રહી છે. ગરમીના કારાણે જેઓ બહાર નીકળ્યા છે જેમના માથા પર છત નથી તેમના પર તેની ગંભીર અસર થઈ રહી છે. ગરમીના કારણે બહાર ફરતા લોકોેને પાણી અને છત આપીને સેવાના કામ પણ કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસમાં રાજસ્થાનમાં ગરમીનો પારો નીચો આવવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આવતીકાલથી ૩૧મી મે સુધીમાં ધીરે ધીરે તાપમાનનો પારો નીચો જશે અને ૩૯ ડિગ્રી સુધી તાપમાન પહોંચશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ભારે ગરમીના કારણે લોકોને સાવધાની રાખવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. ગુજરાતમાં આજે અને આવતીકાલે હિટવેવ કન્ડિશન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવ કન્ડિશન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ૨૭મીએ પણ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હિટવેવની અસર રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

(9:37 pm IST)