Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ગળતેશ્વર તાલુકાના અંધાડીથી વાડદ જવાના રસ્તે મહી કેનાલ પર પુલ બનાવવાની કામગીરી છેલ્લા 4 વર્ષથી લગડધગડ: અધવચ્ચે કામ અટકી જતા હજારો લોકો હેરાન પરેશાન થયા

ગળતેશ્વર:તાલુકાના અંઘાડી થી વાડદ ગામ તરફ જવા આવવાની મુખ્ય મહીકેનાલ ઉપરના પુલ બનાવવાનું કામ છેલ્લાં વર્ષથી ટલ્લે ચઢ્યું છે. પુલ ઉપરથી તાલુકાના ૧૦ થી ૧૨ ગામોના હજ્જારો ગ્રામજનો ચોવીસ કલાક અવર જવર કરતા હોય છે. આમ ચોવીસ કલાક ધમધમતા પુલનું કામ અધવચ્ચે અટકાવી દેતા હજ્જારો લોકો હેરાન પરેશાન બન્યા છે.

ઉપરાંત તાલુકાના વાડદ થી ચપટીયાના ખેડુતો માટે પણ પુલ ખૂબજ ઉપયોગી છે.વાડદના મોટા ભાગના ખેડુતોની જમીન અંઘાડી તરફ અને અંઘાડી -ચપટીયાના મોટા ભાગના ખેડુતોની જમીન વાડદ સીમવિસ્તારમાં આવેલી છે.આથી ખેડુતોને ખેતરમાં જવા આવવા માટે છેલ્લા ચાર વર્ષથી પણ વધુ સમયથી ચાર થી પાંચ કિલોમીટર વધુ અંતર કાપીને તરઘૈયા ગામ તરફ જવાના મહીકેનાલ પુલ પરથી પસાર થવુ પડે છે.જે ખેડુતો અને ખેતમજૂરોને પોસાય તેમ નથી.છેલ્લા ચાર પાંચ વર્ષથી પુલ તુટી ગયા પછી નવો બનાવવાનુ ટેન્ડર પાસ થયા પછી પણ કામ ચાલુ થતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે. ચાર વર્ષ પહેલા પુલનું કામકાજ શરુ કરવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસુ આવતા પુલ બનાવવા માટે કોન્ટ્રાકટર દ્વારા જે સિમેન્ટ,અને બાંઘકામનો સર સામાન પુલ પાસે નંખાયો હતો તે પલળી જતા કોન્ટ્રાકટરે પુલનુ કામ બંધ રાખ્યુ હતુ અને પોતાનો બચેલો સામાન ભરીને ચાલ્યા ગયા હતા. વાતને ચાર વર્ષ ઉપનો સમય થવા આવ્યો તેમ છતા આજદિન સુધી પુલનુ કામ શરૃ કરાયુ નથી. એજ રીતે મહીકેનાલ પર ડાભસર આડબંધ તરફ જતા ગાંગલવાળુ નાળુ રીપેરીંગ કરવા માટે અનેકવાર સંબંધિત કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ તે પણ કરવામાં આવ્યુ નથી.જેથી  ૨૦૦ થી વધુ ખેડુતોને  અને પશુઓને ડાભસર ગૌચર જમીનમાં ચારો ચરવા માટે ડાભસરથી ચાર કિ.મી લાંબુ અંતર કાપવાની ફરજ પડી છે.

(6:13 pm IST)