Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

માસ્ક બન્યા ફેશન : મેચિંગ બ્રાઇડલ અને ટ્રેડિશનલ માસ્કનો ટ્રેન્ડ

રૂ.૧પ૦થી રપ૦-૩૦૦ની કિંમતના માસ્ક બજારમાં વેચાઇ રહ્યા છે

અમદાવાદ, તા.રપ : કોરોના સંક્રમણથી બચવાના ભાગરૂપે દરેક વ્યકિત માટે માસ્ક પહેરવું ફરજીયાત કરાયું છે ત્યારે માસ્ક પહેરવાની મજબૂરીને હવે લોકોએ ફેશનમાં ફેરવી નાખી છે અત્યારે ગારમેન્ટના બિઝનેસમાં મંદી હોવાથી ફેશન ડિઝાઇનરો હાલની સમયની માંગ મુજબ અવનવા ફેશનેબલ માસ્ક બજારમાં ઇન્ટ્રોડયુસ કરી રહ્યા છે. જેની કિંમત રૂ.૧પ૦થી શરૂ કરીને રપ૦ કે ૩૦૦ સુધીની છે.

ખાસ કરીને યુવાનો અને ફેશન ઇન્ડસ્ટ્રી માટે માસ્ક પણ ફેશન અને ટ્રેન્ડનો વિષય બન્યા છે. ઓન લાઇન વેચાણમાં અનેક પ્રકારના ટ્રેન્ડી માસ્કસ જોવા મળી રહ્યા છે. કેટલાક ડિઝાઇનર ગ્રાહકની ડિઝાઇન અને ઇચ્છા મુજબના કસ્ટમાઇઝ માસ્કપણ ઓર્ડરથી બનાવી આપે છે. જો આ માસ્ક સાથે જ જીવવાનું હોય તો પછી સીધા સાદા શું કામ ફેશનવાળા કે મેચિંગ માસ્ક કેમ નહીં એવા કન્સેપ્ટ સાથે લોકો ડિઝાઇનર માસ્ક ખરીદી રહ્યા છે. કેટલાક લોકો બજારમાંથી સાદા સફેદ કે પ્લેઇન માસ્ક ખરીદીને પોતાની ઇચ્છા મુજબ તેને પેઇન્ટ કરે છે અથવા તેના પર અલગ પ્રકારની એમ્બ્રોઇડરી કરે છે. ફેશન ઇન્ડસ્ટ્રી હવે માસ્ક તરફ વળી રહી છે. ફેશન ડિઝાઇનર્સ કપડાની સાથે હવે મેચિંગ કાપડ અને ડિઝાઇનના માસ્ક પણ આપે છે. સાથે જ બ્રાઇડલ માસ્કની પણ એક નવી ડિઝાઇન શરૂ થઇ છે જેનો ભાવ રૂ.૧પ૦૦ સુધી છે.

(9:45 pm IST)