Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

૧ લાખ સુધીની લોન માટે બેંકો નજીવી સભાસદ ફી લઇ શકશેઃ જામીને અરજદારની માત્ર ઓળખ આપવાની છે

'આત્મનિર્ભર ગુજરાતયોજનાનો સુધારા ઠરાવ પ્રસિધ્ધ

 ગાંધીનગર, તા., રપઃ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત નાના વેપારીઓ અને શ્રમજીવીઓને રૂ. ૧ લાખ સુધીની લોન આપવા માટે બેંકોની રજુઆત બાદ સરકારે સુધારા ઠરાવ બહાર પાડયો છે તે મુજબ લોન આપનાર સંસ્થા લોન લેનાર પાસેથી નિયમ મુજબ નજીવી સભાસદ ફી વસુલી શકશે. સરકારના વર્તુળોના જણાવ્યા મુજબ અરજદારના બન્ને જામીનોએ માત્ર અરજદારની ઓળખ આપવાની છે. લોન ભરપાઇ કરાવવાની જવાબદારી જામીનની રહેશે નહી. લોન લેનાર જામીન નહી  પડી શકે અને જામીન પડનાર લોન નહી લઇ શકે. એક વ્યકિત એકથી વધુ અરજદારના જામીન પડી શકશે નહી.

સહકાર વિભાગના સચિવ મનીષ ભારદ્વાજની સહીથી બહાર પડેલા સુધારા ઠરાવમાં જણાવાયું છે કે આ યોજના હેઠળ બિન તારણ ધિરાણ મેળવતા એકમો, વ્યકિતઓ પાસેથી બેંક, ક્રેડિટ કો. ઓપરેટીવ સોસાયટી દ્વારા કોઇપણ પ્રકારના વધારાના ચાર્જીસ જેવા કે ફોર્મ ફી, સ્ટેમ્પ ડયુટી અને પ્રોસેસીંગ ચાર્જ આકારવાના રહેશે નહીં.

સહકારી બેંકો, ક્રેડિટ કો. ઓ. સોસાયટીના સભાસદના હોય તેવી વ્યકિતઓને - વેપારીઓને નોમીનલ સભાસદ બનાવી ધિરાણ આપવામાં આવે તેવા કિસ્સામાં સંસ્થાના નોમીનલ સભાસદ બનાવવા માટે લેવા પાત્ર નિયમાનુસારની ફી ચાર્જીસ આવા વ્યકિતઓ-વેપારીઓ પાસેથી લેવાના રહેશે.

સહકારી બેન્ક-ક્રેડિટ કો. ઓપ. સોસાયટી દ્વારા આ યોજના હેઠળ બિનતારણ ધિરાણ મેળવેલ લાભાર્થીઓ દ્વારા લોનના હપ્તાની રકમ તથા તેના ઉપર ર ટકા લાભાર્થીએ ચુકવવા પાત્ર વ્યાજની રકમ પરત ચુકવણીની બાબત ધ્યાને લીધા સિવાય તમામ ખાતેદારોને રાજય સરકાર દ્વારા મળવાપાત્ર ૬ ટકા વ્યાજ સહાયની રકમની દરખાસ્ત જે તે ત્રિમાસ પુર્ણ થયેથી નોડલ એજન્સી મારફત રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ, ગુજરાત રાજય, ગાંધીનગરને રજૂ કરવાની રહેશે.

આ યોજના હેઠળ બિન તારણ ધિરાણ મેળવતા એકમો-વ્યકિતઓને રાજય સરકાર દ્વારા સદરહુ યોજનાના અમલીકરણ પુરતી મહેસુલ વિભાગની સ્ટેમ્પ ડયુટીમાંથી મુકિત આપવામાં આવેલ છે. રીઝર્વ બેન્કના નિયમો, કાનુન અને સરકયુલરનું પાલન કરવાનું રહેશે. મલ્ટીસ્ટેટ કો. ઓપ. બેન્ક નીચે રજિસ્ટર થયેલ બેન્કોએ તેના કાયદાનું પાલન કરવાનું રહેશે.

(4:02 pm IST)