Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

બેજાન દારૂવાલાની સતત ગંભીર સ્થિતિ : કોરોના છે - નથી ? અસમંજસ

દેશના સુપ્રસિધ્ધ એસ્ટ્રોલોજરને હાર્ટ સહિતની બિમારીઓઃ પરિવાર આખો કોરન્ટાઇન

અમદાવાદ, તા. ૨૫: જાણીતા એસ્ટ્રોલોજર બેજાન દારૂવાલા કોવિડ-૧૯નો શિકાર બન્યા હોવાના અહેવાલ વહેતા થયા હતાં. ત્યારે આ તમામ અટકળો પર બેજાન દારૂવાલાના પુત્ર નાસ્તૂર દારૂવાલાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, બેજાન દારૂવાલાને કોરોના નથી થયો. તેઓ લંગ ઇન્ફેક્શનથી પીડાય છે અને તેમની હાલત સ્થિર છે.

બેજાન દારૂવાલાની તબિયતની જાણકારી આપતા નાસ્તુર દારૂવાલાએ જણાવ્યંું કે, ૬ દિવસ પહેલા તેમને અમદાવાદની એક (એપોલો) ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ન્યુમોનિયા અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. હાલ તેઓ વેન્ટિલેટર પર નથી અને તેની હાલત સુધારા પર છે.

શનિવારે સાંજે અહેવાલો પ્રસર્યા હતા કે, બેજાન દારૂવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમના પુત્ર નાસ્તૂર દારૂવાલાએ કહ્યું, મારા પિતા લંગ ઇન્ફેક્શન અને ન્યુમોનિયાથી પીડાય છે. અમુક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને કોરોના છે, આ વાત તદ્દન સાચી નથી પાયાવિહોણી છે. હાલમાં જ મેં તેમની સાથે વિડીયો કોલ પર વાત કરી હતી અને તેઓ સ્વસ્થ જણાતા હતા. તેમણે મને કહ્યું, ચિંતા ના કરીશ, હું જલદી જ સ્વસ્થ થઈને આવી જઈશ. ડૉકટરો મારા પિતાની રિક્વરીનું બરાબર નિરીક્ષણ કરી રહ્યાં છે. અને આગામી ૭૨ કલાક મહત્ત્વના છે. જો કે, ચિંતા કરવાની વાત નથી.નાસ્તૂર દારૂવાલાએ વાત પૂરી કરતાં કહ્યું, આખો પરિવાર તેમના જલદી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યો છે. અમને વિશ્વાસ છે કે તેઓ જલદી જ ડિસ્ચાર્જ થઈને ઘરે આવી જશે. શ્રી બેજાન દારૂવાલાનો આખો પરિવાર હોમ-કોરન્ટાઇન થયેલ છે.

દરમિયાન ભરોસાપાત્ર વર્તુળો કહે છે કે ૮૯ વર્ષના શ્રી બેજાન દારૂવાલાને કોરોનાના તમામ લક્ષણો જોવા મળ્યા છે, કોરોના હોવાનું પણ મનાય છે. તેમના ઉપર અગાઉ એન્જીયોપ્લાસ્ટી અને હૃદયમાં પેસમેકર મૂકેલું છે અને ફેફસામાં ન્યુમોનિયાની અસર છે. તેમને છેલ્લામાં છેલ્લી સારવાર અપાઇ રહી છે. તેઓ ઝડપભેર સાજા થાય તે માટે તેમના હજારો-લાખો ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. ૧૧ જુલાઇએ શ્રી દારૂવાલાને ૯૦મું વર્ષ બેસશે.

શ્રી બેજાન દારૂવાલાના પુત્ર શ્રી નસ્તુર દારૂવાલાએ ગઇ રાત્રે અકિલાને જણાવેલ કે તેમના પિતાને કોરોના નથી (જો કે તેઓ પણ કોરન્ટાઇનમાં છે) અને ઝડપભેર સ્વસ્થ થઇ રહ્યા છે.

(2:55 pm IST)