Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

પેરોલ પર મૂકત કરાયેલા ૧૫ હજાર જેટલા કેદીઓની મૂકિત મર્યાદા દોઢ માસ વધી

હાઇકોર્ટ દ્વારા નિર્ણયઃ અકિલાના અહેવાલને સમર્થનઃ હાઇપાવર કમિટીની ભલામણ માન્ય રખાઇઃગુજરાતના જેલવડા ડો. કે.એલ.એન. રાવ દ્વારા સમર્થન

રાજકોટ, તા., ૨૫: કોરોના વાયરસ સંદર્ભે રાજ્યની જેલમાં કોઇ ખતરો ન તોડાય  તે માટે અનેકવિધ સાવધાનીઓ સાથે પગલા લેવા સાથે  ૭ વર્ષથી  ઓછી સજાવાળા ગુજરાતની વિવિધ જેલના  ૧૫,૦૦૦ જેટલા  કેદીઓને પેરોલ આપી  જેલમુકત કરવામાં આવ્યા છે. આવા કેદીઓનો પેરોલ  સમયગાળો  પૂર્ણ થતો હોય તેઓને જેલમાં હાજર કરવામાં આવે તો  જેલમાં સંક્રમણ વધે તેવી ભિતી ધ્યાને લઇ આવા કેદીઓની પેરોલ મુદ્દતમાં વધારો કરી હજી તેઓને લોકડાઉન સુધી  અર્થાત કોરોના વાયરસની તીવ્રતા મંદ પડે તેવા સમયગાળા સુધી પેરોલ વધારવા માટેની દરખાસ્ત  થયાના અકિલાના અહેવાલને  સમર્થનસાંપડયુંુ છે.

સૌરાષ્ટ્ર-ગુજરાતના ૧પ હજાર જેટલા  ૭ વર્ષથી ઓછી સજાવાળા અર્થાત હળવા  ગુન્હાવાળા કૈદીઓની પેરોલ વિશેષ દોઢ માસ માટે હાઇકોર્ટ દ્વારા લંબાવવામાં આવી છે. ઉકત બાબતે અકિલા સાથેની વાતચીતમાં  ગુજરાતના જેલ વડા ડો.કે.એલ.એન.રાવે  હાઇકોર્ટ દ્વારા આવો હુકમ થયાની બાબતને સમર્થન સાંપડયું છે.

અત્રે યાદ રહે કે, ગુજરાતની  હાઇપાવર  કમિટીની  તાજેતરમાં  યોજાયેલી બેઠક કે જેમાં રાજ્યના જેલવડા પણ નોડલ ઓફિસર  તરીકે નિમાયા છે.  તેવી આ કમિટીની  બેઠકમાં પ્રવર્તમાન કોરોના વાયરસની  પરિસ્થિતીનુ મુલ્યાંકન કરતાં  પેરોલ પર  મુકત કરાયેલા હળવી સજાવાળા  કેદીઓની  મૂકિત મર્યાદા વધારવા હાઇકોર્ટને ભલામણ કરવામાં આવી હતી.

દેશના વિવિધ રાજ્યો જેવા કે  મહારાષ્ટ્ર,પંજાબ સહિતના રાજ્યોમાં કેદીઓની પેરોલ મુકિત મર્યાદા  વધારવામાં  આવી છે. મહારાષ્ટ્રની  જાણીતી  યેરવડા જેલમાં જેલ કેદીઓની  મુકિત બાબતે ગુજરાત જેટલી ત્વરાયે નિર્ણય ન લેવાતા પરિસ્થિતી  વિકટ બની હતી. 

એ બાબત જાણીતી છે કે ગુજરાતના  જેલ તંત્ર દ્વારા કોરોના વાયરસની સ્થિતીના  પ્રારંભે જ  ગુજરાતની  તમામ જેલોને   સેનેટાઇઝ કરવા  સાથે  અલગ આઇસોલેટેટ વોર્ડની સાથોસાથ  જેલ તબીબોને  જરૂરી કોરોના વાયરસ અંગેનો અભ્યાસ સહિતના  પગલાઓ  ભરવામાં આવેલ. જેની નોંધ  ગૃહ મંત્રાલય તથા  કેન્દ્ર દ્વારા લેવામાં આવી છે.

(11:41 am IST)