Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

દેશમાં પ્રવૃત્તિ બાય ચોઈસ નહીં પણ બાય સેફ્ટીના આધારે થશે

સુરતના સલૂન સંચાલકનો નવતર પ્રયોગ : દર ૩૦ મિનિટે ચેર્સને સેનેટાઇઝ કરાય છે, ગ્રાહકોને ડિસઇન્ફેક્શન સ્પ્રેનો છંટકાવ કર્યા બાદ જ સલુનમાં પ્રવેશ

અમદાવાદ,તા.૨૪ : લોકડાઉનમાં શરતો અને નિયમોને આધિન અપાયેલી છૂટછાટોને પરિણામે ઉદ્યોગો, વેપાર અને આર્થિક પ્રવૃત્તિ વેગવાન બની છે. આમ છતાં, કોરોના સંક્રમણ ફેલાતું અટકે એ પણ અચૂક જોવું રહ્યું ત્યારે સુરતના એક હેર સલૂન સંચાલકે પીપીઈ કિટને પોતાના વ્યવસાયનો ભાગ બનાવી છે. એટલું જ નહીં, તેઓ સલૂનમાં મોટા ભાગની ડિસ્પોઝેબલ ચીજવસ્તુઓનો ઉપયોગ કરે છે. સલૂનમાં આવનાર દરેક ગ્રાહકનું પ્રથમ થર્મલ ગનથી સ્ક્રીનિંગ કર્યા બાદ તેને ડિસઇન્ફેક્ટેડ કરવામાં આવે છે. સાવચેતી એ જ સલામતીના મંત્ર સાથે વ્યવસાયની પુનઃ શરૂઆત કરનાર નીતિન લિંબાચિયા અન્ય વ્યાવસાયિકો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યા છે. રાજ્યમાં જનજીવન ઝડપભેર પૂર્વવત્ થાય તે માટેના રાજ્ય સરકારના પ્રયાસોને સફળતા મળી રહી છે.

              કામકાજના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક, થર્મલ ગન સહિત સ્ક્રીનિંગ સહિતના નિયમોના પાલન સાથે રાજ્યમાં વેપાર, ઉદ્યોગોએ 'કોરોના સાથે, કોરોના સામે' જીવવાની નવી દિશા પકડી છે, ત્યારે સુરતના ઘોડદોડ વિસ્તારમાં 'નીતિન્સ કટ્સ એન્ડ કલર્સ' નામથી હેર સલૂન ચલાવતા નીતિન લિંબાચિયાએ પીપીઈ કિટનો ઉપયોગ કરીને કોરોના સામે લડવા માટે આગોતરી વ્યાવસાયિક પદ્ધતિ અપનાવી છે. કોરોના સામે લડતા અને હજારો કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર કરી રહેલા કોરોના વોરિયર્સ એવા ડોક્ટર્સ, નર્સીસ, મેડિકલ સ્ટાફને આપણે પીપીઈ કિટમાં જોઈએ છીએ, ત્યારે હાલ કોરોના મહામારીના સમયમાં માસ્ક, હેન્ડ સેનેટાઈઝર, સોશિયલ ડિસ્ટન્સિંગ, થર્મલ ગન સ્ક્રીનિંગ, ડિસઇન્ફેકશન જેવા લોકજીભે ચડેલા શબ્દોનો સમન્વય આ સલૂનમાં એક સાથે થતો જોવા મળે છે. સલૂનમાં બિનજરૂરી ભીડ એકઠી ન થાય એ માટે ફોન પર જ એપોઇન્ટમેન્ટ આપવામાં આવે છે, નિયત સમયે ગ્રાહક આવે, ત્યારે વેઇટિગ એરિયામાં જ પીપીઈ કિટ પહેરેલો એક કર્મચારી તેને ડિસઇન્ફેકશન સ્પ્રેયરથી સેનેટાઈઝ કરે છે.

(9:48 pm IST)