Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જીટીયુએ ૧.૨૮ લાખ વિદ્યાર્થીની ઓનલાઈન મોક ટેસ્ટ લીધી

દેશ સહિત વિદેશના વિદ્યાર્થીઓ જોડાયા : પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૩૦ મિનિટમાં ૩૦ એમસીક્યુના સાચા જવાબ આપવાના હતા :બે તબક્કામાં ટેસ્ટ લેવાઈ

અમદાવાદ, તા. ૨૪  : કોવિડ-૧૯ની મહામારીના કારણે દેશની મોટાભાગની યુનિવર્સિટીઓને પરીક્ષા લેવામાં મુશ્કેલી આવી રહી છે. ત્યારે ગુજરાત ટેક્નોલૉજીકલ યુનિવર્સિટીએ ઓનલાઈન મોક ટેસ્ટ લીધી હતી. જેમાં ૧.૨૮ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઓનલાઈન પરીક્ષામાં દેશના ૨૦ રાજ્યના વિદ્યાર્થીઓ ઉપરાંત શ્રીલંકા, મ્યાનમાર અને ભૂટાનથી પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતાં. જીટીયુ સાથે ૫૫૦ જેટલી કોલેજો જોડાયેલી છે, જેમાં ૫.૫ લાખથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઓનલાઈન મોક ટેસ્ટ બે તબક્કામાં બીઈ, બી.ફાર્મા અને ડિપ્લોમા એન્જિનિયરીંગના બીજા, ચોથા અને છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે લેવાઈ હતી.

          જીટીયુના વાઈસ ચાન્સેલર નવીન શેઠે કહ્યું, ૧.૨૮ લાખ વિદ્યાર્થીઓ સાથે જીટીયુ દેશની કદાચ પહેલી એવી યુનિવર્સિટી છે જેણે આટલા મોટી ઓનલાઈન પરીક્ષાનું આયોજન કર્યું હોય. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૩૦ મિનિટમાં ૩૦ એમસીક્યુના સાચા જવાબ આપવાના હતા. દરેક સવાલ માટે તેમને ચાર ઓપ્શન આપવામાં આવતા હતાં. આ માટે કોઈ નેગેટિવ માર્કિંગ સિસ્ટમ નહોતી. વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટ જેવા ડિવાઈસથી પરીક્ષા આપી. 

             જોકે કેટલાક વિદ્યાર્થીઓએ કનેક્ટિવીટીમાં સમસ્યા આવતી હોવાનું, તો કેટલાકે સ્ક્રીન પર એમસીક્યુ ન દેખાતા હોવાની ફરિયાદ કરી હતી.બાદમાં યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓેને સમય વધારી આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસની મહામારીને કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી યુનિવર્સિટી અને કોલેજોને માર્ચ મહિનામાં બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે કોલેજમાં વાર્ષિક પરીક્ષાનું આયોજન થઈ શકયુ નહોતું. રાજ્ય સરકારે જાહેરાત કરી કે સ્કૂલની જેમ કોલેજોમાં માસ પ્રમોશન નહીં આપવામાં આવી અને વાર્ષિક પરીક્ષા પણ યોજાશે. આ માટે સરકારે યુનિવર્સિટીના વાઈસ ચાન્સલેર પાસેથી સૂચનો માગ્યા હતા. ૧૮ મી મેએ યુનિવર્સિટીએ બી.ફાર્માના વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટનું આયોજન કર્યું હતું. જેમાં દેશના ૯૯ જિલ્લામાં આવેલા ૨૦૦૦ ગામડાઓમાંથી ૮૯૯૩ ઉમેદવાર ઉપસ્થિત રહ્યા હતાં જેમાંથી ૭૫ ટકા વિદ્યાર્થીઓએે પરીક્ષા પાસ કરી લીધી હતી. જ્યારે બીજા તબક્કામાં ૨૩મેએ ૧.૧૯ લાખ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરાયું હતું.

(9:57 pm IST)