Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રાજ્યભરમાં ૨૫ દિવસથી ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે

લોકડાઉન દરમિયાન જ કોરોના વકર્યો છે : રાજ્યમાં પ્રથમ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો ત્યારબાદથી હજુ સુધી ૬૬ દિનમાં ૧૩૬૬૯ કેસો નોંધાયા ચુક્યા છે

અમદાવાદ, તા. ૨૪  : લોકડાઉનના ૬૧મા દિવસે અમદાવાદમાં ૨૭૭ કેસ નોંધાયા છે પરંતુ તે સિવાય ૧૮ જિલ્લાઓમાં પણ કોરોનાના કેસનો સિલસિલો હજી યથાવત્ રહ્યો છે. આઘાતજનક હકીકત છે કે, છેલ્લા ૨૫ દિવસથી રાજ્યમાં દરરોજ નોંધાતા કેસોની સંખ્યા ૩૦૦ થી વધુ જ રહી છે. શનિવારે સાંજે રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં સરેરાશ એક કલાકે એક મૃત્યુ નોંધાયું છે. આ ઉપરાંત સુરતા ૩ મળી ૨૭ લોકોના એક દિવસમાં મોત થતા કુલ મૃત્યુઆંક ૮૨૯ પર પહોંચ્યો છે. ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ ૧૯ માર્ચના રોજ નોંધાયો હતો. ત્યારે ૬૬ દિવસે કોરોનાના કેસોની સંખ્યા ૧૩૬૬૯ થઈ છે, જેમાંથી પહેલી વખત ૭૩ દર્દી વેન્ટિલેટર પર છે.

         શનિવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસે વધુ ૨૭ લોકોનો ભોગ લીધો છે. તેની સાથે રાજ્યમાં અત્યાર સુધી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા ૮૨૯ થઈ ગઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે, તેમાંથી ૨૭૬ દર્દીઓ એવા હતા જેમને કોરોનાના સંક્રમણ પહેલા અન્ય કોઈ બિમારી નહોતી. જ્યારે ૫૫૩ દર્દીઓના મોત પાછળ કોરોના વાયરસ ઉપરાંત કો-મોર્બિડ અવસ્થા જવાબદાર હોવાનું  બહાર આવ્યું છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં જે ૩૯૬ કેસ નોંધાય છે. તેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૭૭ કેસ, સુરતમાં ૨૯, વડોદરામાં ૩૫, ગાંધીનગરમાં ૯, આણંદમાં ૩, રાજકોટમાં ૪, અરવલ્લીમાં ૫, મહેસાણામાં ૪, મહીસાગર અને ખેડામાં ૨-૨, ગીરસોમનાથમાં ૬, પાટણમાં ૨, નવસારીમાં ૧, જૂનાગઢમાં ૮, પોરબંદરમાં ૧,સુરેન્દ્રનગરમાં ૨, મોરબીમાં ૧, તાપીમાં ૧ તેમજ અમરેલીમાં ૨ કેસનો સમાવેશ થાય છે. ૨૪ કલાકમાં કુલ ૨૮૯ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાહ હતાં. જેમાં અમદાવાદમાંથી ૨૦૬, સુરતમાંથી ૨૮, ગાંધીનગરમાંથી ૯, વડોદરામાંથી ૧૫, પંચમહાલ અને ભાવનગરમાંથી ૨-૨, દેવભૂમિ દ્વારકામાંથી ૭ અને કચ્છમાંથી ૬, ખેડામાંથી ૧, મહેસાણામાંથી ૩, અરવલ્લીમાંથી ૧, જામનગરમાંથી ૫ અને પોરબંદરમાંથી ૧ તેમજ પાટણમાંથી ૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૬૧૬૯ વ્યક્તિઓએ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી છે.

 

(10:01 pm IST)