Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ફાયરસેફ્ટીની સુવિધા ન હોય તો ફોજદારી કેસ દાખલ કરાશે

અમદાવાદમાં ૧૦૦થી વધુ એકમોને નોટિસ : પોલીસ કમિશનરના જાહેરનામા મારફતે ફાયરસેફ્ટીની સુવિધાની ખરાઇ કર્યા બાદ ટયુશન કલાસીસો ચાલુ થશે

અમદાવાદ, તા.૨૫ : સુરતના અગ્નિકાંડના ઘેરા પ્રત્યાઘાત અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આજે અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર, શહેર પોલીસ કમિશનર, શિક્ષણ, કલેકટોરેટ સહિતના સંબંધિત સત્તાવાળાઓની એક મહત્વની બેઠક મળી હતી. જેમાં સુરતના આગકાંડ જેવી દુર્ઘટના અમદાવાદમાં ના બને તે માટે જરૂરી ચર્ચા વિચારણા હાથ ધરી કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા હતા. જે મુજબ, અગાઉ અમ્યુકો પાસે ફાયરસેફ્ટીની સુવિધા ના હોય તેવા ટયુશન કલાસીસ કે કોમર્શીયલ એકમોને નોટિસ આપવા સિવાય અન્ય કોઇ સત્તા ન હતી પરંતુ ગઇકાલે શહેર પોલીસ કમિશનરે ટયુશન કલાસીસ પર બે મહિના માટે લદાયેલા પ્રતિબંધ અને ફાયરસેફ્ટીની સુવિધા ખરાઇ કર્યા બાદ જ ટયુશન કલાસીસ ચાલુ કરવા અંગેનું જાહેરનામું જાહેર કરતાં હવે અમ્યુકો સત્તાધીશો અને પોલીસ તંત્ર દ્વારા ફાયરસેફ્ટીની સુવિધા ના હોય તેવા કિસ્સામાં ફોજદારી કેસ દાખલ થશે. બીજીબાજુ, આજે અમ્યુકો અને શહેર પોલીસ તંત્ર દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો અને મણિનગર, ઇસનપુર, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં ટયુશન કલાસીસ અને અન્ય મળી ૧૦૦થી વધુ કોમર્શીયલ એકમોમાં જાત તપાસ કરી તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી. સુરત આગકાંડ બાદ અમદાવાદમાં પણ અગમચેતીના પગલાંરૂપે આજે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના વડપણ હેઠળ સંબંધિત સત્તાધીશોની એક મહત્વની બેઠક મળી હતી. બેઠક બાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, સુરત જેવી કમનસીબ દુર્ઘટના અમદાવાદમાં ના બને તે માટે તંત્ર દ્વારા પોલીસ તંત્ર સહિતના સત્તાવાળાઓ સાથે મળીને અસરકારક આયોજન કર્યું છે. ખાસ કરીને પોલીસ કમિશનરના જાહેરનામાને પગલે હવે ફાયરસેફ્ટીની સુવિધા વિનાના ટયુશન કલાસીસ સહિતના કોમર્શીયલ એકમો ચાલી નહી શકે.  અમ્યુકો તંત્ર પણ આવા કલાસીસ અને કોમર્શીયલ એકમોને ફાયરસેફ્ટી સહિતના મુદ્દે જરૂરી ગાઇડલાઇન સાથેની નોટિસ આપશે. જો નોટિસ છતાં અને જરૂરી તાકીદ છતાં જે એકમો ફાયરસેફ્ટીની સુવિધા નહી લગાવે અને જોખમી ખામીઓનું નિવારણ નહી કરે તેવા એકમો સીલ કરાશે અને તેઓની વિરૂધ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા અન્વયે કલમ-૩૦૮ મુજબ, ફોજદારી ફરિયાદ દાખલ કરવા સુધીના પગલાં લેવાશે. બીજીબાજુ, આજે અમ્યુકો અને શહેર પોલીસ તંત્ર દ્વારા પણ શહેરના મણિનગર, ઇસનપુર, વસ્ત્રાપુર, બોડકદેવ સહિતના વિસ્તારોમાં સપાટો બોલાવવામાં આવ્યો હતો અને આવા જોખમી તેમ જ ફાયરસેફ્ટીની સુવિધા વિનાના ટયુશન કલાસીસ, હોસ્પિટલો, એકેડમી સહિતના ૧૦૦થી વધુ કોમર્શીયલ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. હજુ પણ નોટિસો ફટકારવાની આ સઘન ઝુંબેશ આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, શહેર પોલીસ કમિશનરને એક મહત્વના જાહેરનામા દ્વારા ફાયરસેફ્ટી વિનાના ટયુશન કલાસીસ પર આજથી તા.૨૫-૫-૨૦૧૯થી તા.૨૩-૭-૨૦૧૯ સુધી પ્રતિબંધ ફરમાવી દીધો છે. ફાયરસેફ્ટીની એનઓસી ઉપરાંત સુરક્ષાના જરૂરી પુરાવાની ખરાઇ અને ચકાસણી કર્યા બાદ આવા ટયુશન કલાસીસ ચાલુ કરી શકાશે તેવી પણ પોલીસ કમિશનરના જાહેરનામામાં સ્પષ્ટ તાકીદ કરાઇ છે. નહી તો, આવા એકમો વિરૂધ્ધ ઇપીકો કલમ-૧૮૮ હેઠળ ફરિયાદ નોંધી કાર્યવાહી કરવામાં આવશે.

(8:25 pm IST)