Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

અમદાવાદમાં પતિએ પત્નીનો અભ્યાસનો શોખ પૂર્ણ કરાવવા ધો.૧૨ની પરીક્ષા અપાવી અને પત્નીએ ધો.૧૨માં ૯૯.૭૭ પી.આર. મેળવ્યા

અમદાવાદ: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદની એક યુવતીએ 10 વર્ષ પહેલા ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને ત્યાબાદર અભ્યાસ છોડી દીધો હતો. જો કે, લગ્ન બાદ પતિના આગ્રહ કરતા યુવતીએ ફરીથી અભ્યાસ શરૂ કર્યો હતો અને આજે ધોરણ 12નું પરિણામ જાહેર થતા યુવતીએ 99.77 પરસેન્ટાઇલ મેળવી પ્રથમ આવી છે.

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી યુવતી મિત્તલ ભીખાભાઇ પરમારનું આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતા તેને 99.77 પરસેન્ટાઇલ મેળવ્યા છે. મિત્તલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા ભીખાભાઇ પરમાર વ્યવસાયે દરજી કામ કરે છે. મિત્તલ પરમારે 10 વર્ષ પહેલાં 2009માં ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરંતુ ત્યારબાદ તે અભ્યાસ કરી શકી નહતી. તેણીને ફેમેલી પ્રોબ્લેમના કારણે અભ્યાસ છોડવો પડ્યો હતો.

જો કે, 3 વર્ષ પહેલા 2016માં મિત્તલે લવ વિથ અરેન્જ મેરેજ કર્યા હતા અને લગ્ન બાદ પતિએ વધુ અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો હતો. તેથી મિત્તલે ફરીથી અભ્યાસ કરવાનું નક્કી કર્યું અને બાપુનગરની સત્સંગી વિદ્યાલયમાંથી ધોરણ 12નો અભ્યાસ કર્યો. ત્યારે આજે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મિત્તલ પરમારે 99.77 પરસેન્ટાઇલ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શનિવારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 73.27 ટકા પરિણામ જાહેર કરાયું છે. રાજ્યભરમાંથી કુલ 3,55,526 વિદ્યાર્થીઓએ ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 2,60,503 વિદ્યાર્થી પાસ થયા હતા. આ વર્ષે પાટણ જિલ્લાનું સૌથી ઊંચું પરિણામ 85.03 ટકા આવ્યું છે. સૌથી ઊંચું પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદનું નવરંગપુરા રહ્યું છે, જેનું 95.66 ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં પંજમહાલ જિલ્લાનું સૌથી ઓછું 45.82 ટકા પરિણામ આવ્યું છે.

(5:18 pm IST)