Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ગુજરાતમાંથી મોદી પ્રધાનમંડળમાં કોને મળશે સ્થાનઃ અટકળોનો દોર શરૂ

એક અનુમાન મુજબ નવી સરકારમાં મનસુખ માંડવિયા અને પુરૂષોતમ રૂપાલા રિપીટ થઇ શકે છે

નવી દિલ્હી તા. રપ :.. લોકસભાનાં ચૂંટણી પરિણામોમાં બીજેપીએ કેન્દ્રમાં મેળવેલી જંગી જીતને પગલે હવે નવી સરકાર  બનાવવા જઇ રહેલી બીજેપી સરકારમાં ગુજરાતમાંથી કયા નવા ચહેરાનો કેન્દ્રીય પ્રધાન મંડળમાં સમાવેશ થશે અને કયા પ્રધાનો રીપીટ થશે તે અંગે હવે અટકળો તેજ બની છે.

અત્યારે ગુજરાતના રાજકારણમાં ચર્ચાનો એકમાત્ર વિષય છે કે કેન્દ્રીય પ્રધાન મંડળમાં કોનો સમાવેશ થશે. જો કે હાલમાં એક વાત નિશ્ચિત છે કે દેશના કેન્દ્રીય પ્રધાન મંડળમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર બેઠકમાં જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલા સાંસદ અમિત શાહને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવવામાં આવશે અને તેમને ગૃહ ખાતું અપાય તેવું મનાઇ રહ્યું છે.

પ્રદેશ બીજેપીમાં અનેક અટકળો કે ચર્ચાઓ ચાલતી હોય પરંતુ નરેન્દ્ર મોદી કોના ઉપર પસંદગીનો કળશ ઢોળશે કે પ્રધાન મંડળમાં કોનો સમાવેશ કરશે એ તો ત્યારે જ ખબર પડશે કે જયારે પ્રધાન મંડળની શપથવિધીનો કાર્યક્રમ યોજાશે. એક અનુમાન મુજબ નવી સરકારમાં મનસુખ માંડવિયા અને પુરૂષોતમ રૂપાલા રિપીટ થઇ શકે છે.

બીજી બાજુ સૌરાષ્ટ્રમાંથી મોહનભાઇ કુંડારીયા અને નારણભાઇ કાછડિયાને પણ તક મળી શકે છે. કોળી સમાજમાંથી પ્રતિનિધીત્વ આપવાનું થાય તો ભાવનગરથી બીજી વખત ચૂંટાયેલા સાંસદ ભારતીબહેન શિયાળ અથવા જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને પણ તક મળી શકે છે. મધ્ય ગુજરાતમાંથી એક  આદિવાસી સાંસદને પ્રધાન મંડળમાં સ્થાન અપાશે. જેમાં મનસુખ વસાવાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે.

ગત પ્રધાન મંડળમાં રાજયસભાના સાંસદ મનસુખભાઇ માંડવીયા, પુરૂષોતમ રૂપાલા, હરિભાઇ ચૌધરી અને જશવંતસિંહ ભાભોર રાજયકક્ષાના પ્રધાન હતા જેમાં હવે હરિભાઇ ચૌધરીની બાદબાકી થઇ છે. આ ઉપરાંત જામનગરના સાંસદ પૂનમ માડમ, બનાસકાંઠા બેઠક પર થરાદનું પ્રતિનિધીત્વ કરતા પરબતભાઇ પટેલ કે જેઓ રાજયના પ્રધાન મંડળમાં એકથી વધુ વખત રહી ચૂકયા છે તેમને રાજયકક્ષાનું પ્રધાનપદ મળવાની શકયતા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી રાજયસભાનું પ્રતિનિધીત્વ કરતાં સ્મૃતિ ઇરાની અમેઠીથી ચૂંટાતાં તેઓ કેબિનેટમાં હવે ઉત્તર પ્રદેશનું પ્રતિનિધીત્વ કરશે. બીજી બાજુ ગુજરાતમાંથી જ રાજયસભામાં ગયેલા નાણાપ્રધાન અરૂણ જેટલી નાદુરસ્ત તબીયતના કારણે કેબિનેટમાં સામેલ ન થાય તેવી પણ શકયતા છે.

(11:30 am IST)