Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

આંદોલન પછી નેતા બનેલા જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલને પ્રજાએ અરીસો બતાવી દીધો

પ્રચારની કોઇ અસર નહીં, રાજકીય કારકિર્દી રગદોળાઇ રહી છેઃ વડગામમાં વિધાનસભામાં ૧૯,૬૯૬ મતોની લીડ, હવે ઘટીને ૨,૫૧૬ થઇ

નવી દિલ્હી, તા.૨પઃ લોકસભાની ચૂંટણીનાં પરિણામો જોતાં કોંગ્રેસના હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો જાદૂ ઓસરી ગયો હોય તેમ સ્પષ્ટ જણાય છે. આ બંને નેતાઓ હીરોમાંથી ઝીરો થયા છે. એક સમયે આંદોલન ઊભું થયું ત્યારે લોકોની લાગણીઓને ઉશ્કેરી નેતા બન્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીમાં તેમના પ્રચારની કોઈ અસર થઈ નથી, લોકોએ તેમને અરીસો બતાવી દીધો છે. એક રીતે પ્રજાએ જાકારો આપ્યો છે. વડગામમાં છેલ્લે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં જિજ્ઞેશને ૧૯,૬૯૬ મતની લીડ મળી હતી, પરંતુ લોકસભાના પરિણામો આવ્યા તેમાં વડગામ બેઠક ઉપર કોંગ્રેસને માંડ ૨,૫૧૬ મતોની લીડ મળી છે. આમ ૧૭,૧૮૦ મતોની લીડ ઓછી થઈ ગઈ છે.

હાર્દિક પટેલે પરિણામો બાદ જણાવ્યું હતું કે, આ કોંગ્રેસની નહિ પરંતુ ખેડૂતો અને બેરોજગારોના મુદ્દાની હાર થઈ છે. તો જિજ્ઞેશ મેવાણીએ એવી પ્રતિક્રિયા આપી હતી કે, દલિતોના મુદ્દાઓ હતા તેમ છતાં દલિતો ભાજપને કઈ રીતે મત આપે ? તે વાત ગળે ઊતરે એવી નથી.

મહત્ત્વનું છે કે, હાર્દિક પટેલે ગુજરાતમાં ૨૦ જેટલી બેઠકો ઉપર પ્રચાર કર્યો પરંતુ લોકોએ તેની વાતને સ્વીકારી નથી. જિજ્ઞેશે બિહારના બેગુસરાય બેઠક ઉપર પ્રચાર કર્યો એ પછી ગુજરાત આવીને ભાજપ વિરુદ્ઘ પ્રચાર કર્યો હતો. જોકે કોંગ્રેસને કોઈ ફાયદો થયો નથી. ગુજરાતમાં દલિત અનામતની બે બેઠકો છે, એ બંને બેઠકો ભાજપને ફાળે આવી છે અને વર્ષોથી ભાજપ પાસે જ રહી છે.

જિજ્ઞેશની અપીલને પણ જનતાએ ફગાવી દીધી છે. જિજ્ઞેશ માટે કોંગ્રેસે વડગામ બેઠક છોડી હતી એટલે તે ધારાસભ્ય બન્યો હતો પરંતુ જિજ્ઞેશે બિહારમાં કોંગ્રેસના સાથી પક્ષને બદલે બેગુસરાયમાં કન્હૈયા કુમાર માટે પ્રચાર કર્યો હતો, બેગુસરાયમાં પણ જિજ્ઞેશે જેના માટે પ્રચાર કર્યો એ કન્હૈયા કુમારની હાર થઈ છે, દિલ્હીમાં પ્રચાર કર્યો ત્યાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. સૂત્રો એવું પણ કહે છે કે, યુવા નેતાઓ પ્રચાર મેદાનમાં આવ્યા પણ ચાલ્યા નથી, પ્રજાએ અરીસો બતાવી દીધો એટલે ભવિષ્યમાં પણ તેમની રાજકીય કારકિર્દી રગદોળાતી દેખાય તો કોઈ નવાઈ નહિ.

(9:43 am IST)
  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી CWC ની બેઠકમાં રાજીનામાની રજૂઆત કરીઃ કોંગ્રેસી નેતાઓએ ઇન્કાર કર્યોઃ કોંગ્રેસી નેતાએ કહ્યું કે, તમે નહીં તો કોણ બનશે કોંગ્રેસ અધ્યક્ષ? access_time 12:45 pm IST

  • પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ ચૂંટણી પરિણામોને પગલે મમતા બેનર્જીએ તૃણમુલ કોંગ્રેસમાં મુખ્યમંત્રીપદેથી રાજીનામુ આપવાનો પ્રસ્તાવ મૂકયાનું જાણવા મળે છે access_time 5:52 pm IST

  • જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા આદેશ :સુરતની દુર્ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા : જામનગરમાં તમામ ખાનગી ટયુશન ક્લાસિસ બંધ રાખવા મનપા કમિશનરનો આદેશ: મનપામાં આવતીકાલે અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવાઇ: ફાયર સેફ્ટી અંગે સંચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ :આવતીકાલથી તમામ સંચાલકો વિરૂદ્ધ કરાશે કડક કાર્યવાહી access_time 10:10 pm IST