Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

જમીન વિકાસ નિગમના કાંડમાં નાસતા ફરતા દેસાઇની ધરપકડ

ભ્રષ્ટાચારના કાંડમાં ૪૩ દિવસોથી ફરાર હતા : એસીબી દરોડા વેળા સર્ચ વોરન્ટ દરમ્યાન દેસાઇ પાસેથી ૯ લાખની રોકડ મળી હતી : હજુ બે આરોપીઓ પલાયન

અમદાવાદ,તા. ૨૫ : રાજયભરમાં ખળભળાટ મચાવનારા ગુજરાત રાજય જમીન વિકાસ નિગમના કૌભાંડમાં છેલ્લા ઘણા દિવસોથી નાસતા ફરતાં જમીન વિકાસ નિગમના ભાગેડુ અધિકારી એમ.કે. દેસાઈ આખરે એસીબીના સંકજામાં ઝડપાઇ ગયા છે. ઇન્ચાર્જ મદદનીશ નિયામક એમ.કે.દેસાઇ આ સમગ્ર પ્રકરણમાં છેલ્લાં ૪૩ દિવસથી ફરાર હતા. જેની પાસેથી સર્ચ દરમ્યાન રૂ. ૯ લાખની રોકડ મળી આવી હતી. જમીન વિકાસ લાંચ કૌભાંડમાં હજી પણ બે આરોપીઓ ફરાર છે. એસીબીના અધિકારીઓએ હવે તેઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર ખાતે જમીન વિકાસ નિગમ લિમિટેડની કચેરીમાં થોડા દિવસો પહેલા એસીબી દ્વારા પાડવામાં આવેલી રેડમાં ઓફિસમાંથી જ સર્ચ ઓપરેશન દરમિયાન માત્ર એક જ દિવસની જમા થયેલી રકમ રૂ. ૫૬ લાખની રોકડ મળી આવી હતી. રાજયભરમાં ભારે ચકચાર જગાવનાર જમીન વિકસ નિગમના આ ભ્રષ્ટાચારના કૌભાંડમાં એમ.કે. દેસાઈ પાસેથી રૂ.૯ લાખ રોકડ મળી આવી હતી. જ્યારે રેડ વખતથી જ એમ.કે. દેસાઈ ફરાર હતા. પોલીસ તેને શોધી રહી હતી. દરમિયાન તે અમદાવાદ -ગાંધીનગર હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાતમીના આધારે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. અત્યાર સુધીમાં એસીબી દ્વારા આ કૌભાંડમાં કુલ ૪ આરોપીઓને ઝડપી લેવાયા છે. જ્યારે હજી પણ બે આરોપીઓ ફરાર છે. પોલીસ તેની તપાસ ચલાવી રહી છે. સરકારી કચેરીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે એસીબીએ અત્યાર સુધીમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઓપરેશન એસીબીના વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે હજી પણ સર્ચ ઓપરેશન ચાલું છે. તપાસ પૂર્ણ થયેથી એસીબી દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવશે. હાલમાં જમીન વિકાસ નિગમના આગલા દરજ્જાના અધિકારીઓ જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયા છે. હજુ આ કૌભાંડમાં નાસતા ફરતા બે આરોપીઓને પકડવાના ચક્રો એસીબીએ ગતિમાન કર્યા છે.

(8:28 pm IST)