Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

છોટા ઉદેપુર નજીક બેકાબુ બનેલ ટ્રક ઘરમાં ઘુસી જતા ત્રણના જીવ લીધા

છોટાઉદેપુર:ના મંડલવા ગામે વહેલી સવારે રોડની બાજુમા આવેલ ઘરમા ટ્રક ઘુસી જતાં નિદ્રાધિન પતિ, પત્નિ અને બાળકનું કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ છે. તો ઘટનાના પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ હાઈવેને ચક્કાજામ કરી વાહનોમાં તોડફોડ કરી છે.

છોટાઉદેપુર‌-દેવગઢ બારીયા હાઈવે ઉપર આજે વહેલી સવારે દેવગઢ બારીયા તરફથી આવી રહેલ ટ્રકના ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ટ્રક મંડલવા ગામમા રોડની બાજુમા આવેલા એક આદીવાસી પરિવારના ઘરમા ઘુસી ગઈ હતી, પોતાની ઘરની ઓસરીમાં સૂઈ રહેલા આદિવાસી પરિવાર માટે કાળ બનીને આવેલી ટ્રક રોડની સાઈડમા આવેલ લાઈટના થાંભલાને તોડી એક ઘરમાં ઘૂસી ગઈ હતી. જ્યાં ઘરની ઓસરીમાં નિદ્રાધીન આદીવાસી પરિવાર કાળનો કોળીયો બન્યો હતો, યુવાન દંપતિ ઉપર ટ્રક્ના તોતીંગ ટ્રક ચડી જતાં ઘટના સ્થળે પતિ-પત્નિનુ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતુ. જયારે દોઢ વર્ષના માસુમ બાળકને દવાખાને લઈ જતાં ડોકટરે પ્રાથમિક સારવાર આપી સ્વસ્થ હોવાનુ જણાવી રજા આપી દીધી હતી પરંતુ ઘરે આવતા જ બાળક્નુ પણ મોત નીપજ્યુ હતું. આ ગોજારા અકસ્માતમાં રાઠવા દંપતિ સંતોશભાઈ રાઠવા, કૈલાશબેન રાઠવા અને પુત્ર અવિનાશ રાઠવાના કરુણ મોતથી ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી હતી.

(6:21 pm IST)