Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સરકારના પર્જન્ય યજ્ઞ, આશ્ચર્યની જ્વાળા !

અધિકારીઓને માર્કેટીંગ મેનેજર બનાવી દીધા બાદ હવે શાસ્ત્રોકત તાલીમ! પ્રચારના શ્લોક : કોંગ્રેસ યજ્ઞનો વિરોધ કરે તો એને હિન્દુ વિરોધી ગણાવી રાજકીય લાભ લેવાની ગણતરી ?

રાજકોટ, તા. ૨૫ :. ગુજરાતની રૂપાણી સરકારે તળાવો ઉંડા ઉતારવા માટેના જળ અભિયાનની પૂર્ણાહુતિ નિમિતે સારા વરસાદની અપેક્ષા સાથે તા. ૩૧મીએ જિલ્લાવાર એક - એક પર્જન્ય યજ્ઞ કરવાનું જાહેર કર્યુ છે. સામાન્ય રીતે યજ્ઞો ભાવિકો કે સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા થતા હોય છે પરંતુ સરકારે ખુદ આયોજકો બની અને જિલ્લા કલેકટર અને તે માટેના પત્રો મોકલાયા તેનાથી લોકોમાં આશ્ચર્ય ફેલાયુ છે. યજ્ઞ માટે જરૂરી સામગ્રી (નામ ઉલ્લેખ સાથે) તૈયાર રાખવાનું કલેકટરોને જણાવાયુ છે. અત્યાર સુધી સરકારના પ્રચારનું કામ અધિકારીઓ પાસેથી લઈને તેમને માર્કેટીંગ મેનેજર જેવી ભૂમિકામાં મુકી દેનાર સરકાર હવે જાણે અધિકારીઓને શાસ્ત્રોકત બાબતે તાલીમ આપવા માગતી હોય તેવી ચર્ચા જાગી છે.

અથર્વ વેદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે પર્જન્ય વરસાદના દેવતા છે. તમામ જીવો માટે પર્જન્ય પિતા અને પૃથ્વી માતા છે તેવો ઉલ્લેખ અર્થ વેદમાં છે. પર્જન્ય ગર્જના કરે ત્યારે વાદળોમાં ગડગડાટ થાય છે અને વિજળી ચમકે છે તેવી કલ્પના છે. ઋગવેદમાં પણ પર્જન્યનો ઉલ્લેખ છે. પર્જન્યને પ્રસન્ન કરવા માટેની વિધિ પર્જન્ય યજ્ઞ તરીકે ઓળખાય છે. યજ્ઞ એ આસ્થાનો વિષય છે. યજ્ઞમા કોઈ આસ્થા રાખે તેમા કંઈ ખોટુ નથી પરંતુ વિજ્ઞાન યુગમાં વરસાદ માટે સરકાર ચોમાસા પહેલા જ યજ્ઞ કરે તે બાબત આશ્ચર્ય ઉપજાવે છે. પર્જન્ય યજ્ઞ સરકારી કાર્યક્રમ બન્યો છે.

દરેક યજ્ઞમાં મોટી સંખ્યામાં લોકોને ઉપસ્થિત રાખવાના લક્ષ્યાંક અપાયા છે. શ્રધ્ધાના વિષયને સરકારના પ્રચારનો વિષય બનાવી દેવાય તેવુ સ્પષ્ટ દેખાય છે. જો કોંગ્રેસ કે અન્ય વિપક્ષ યજ્ઞનો વિરોધ કરે તો તેને હિન્દુ વિરોધી ગણાવી રાજકીય લાભ લેવાની ભાજપની ગણતરી હોય તેવી વાતો સંભળાય રહી છે. ગુજરાતમાં ૨૨ વર્ષથી ભાજપનું શાસન છે છતા ભાજપે લોકલાગણી મેળવવા ધાર્મિક બાબતોનો આશરો લેવો પડે છે. સરકારના પર્જન્ય યજ્ઞ ચર્ચાના ચકડોળે ચડયા છે.

એક નઝર ઈધર ભી...

આપણા ઘરને કોઈની નજર ન લાગી જાય તે માટે ભવિષ્યમાં સરકાર બારણે બાંધવા માટે લીંબુ-મરચા રાહત ભાવે આપે તો નવાઈ નહિં...

(4:15 pm IST)