Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

''પાસ'' આંદોલન દરમિયાન પોલીસ દમન અંગે સોગંદનામા મુકાયાઃ કોઇને નોકરી અપાયેલ નથી

પગલા નથી લેવાયા- નોકરી નથી અપાઇઃ ઉલ્ટાનું ૧૫૦-૧૫૦ લોકો સામે ગુન્હો નોંધ્યોઃ તોડફોડ : પૂર્વ જસ્ટિસ પૂજ કમિશન સમક્ષ અત્યાર સુધીમાં : ૧૪ સોગંદનામા રજુ થયા છે. જે પૈકી પાસના આ ગ્રૃપ દ્વારા ૧૧મું સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું છે.

અમદાવાદ તા.૨૫: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ દમન સહિતની સર્વગાહી તપાસ માટે નિમાયેલા પૂર્વ જસ્ટિસ કે.એ. પૂજ તપાસ પંચ સમક્ષ પાસના દિલીપ સાબવા ગૃપ દ્વારા  ગુરૂવારે પાલનપુર અને પાટણમાં પોલીસે ગુજારેલા દમન અંગે સોગંદનામું રજૂ કરાયું હતું.

પાલનપુરના કિસ્સામાં સામાવાળા તરીકે આઇપીએસ વિપુલ અગ્રવાલને દર્શાવાયા છે. પાસ ટીમે સમગ્ર પ્રકરણમાં તપાસ કરી જવાબદાર પોલીસઅધિકારી-કર્મચારી સામે પગલાં ભરવાની કમિશન સમક્ષ માગણી કરી છે. આ સાથે જ મૃતકના પરિવારમાંથી સરકારી નોકરી પણ મળી ન હોવાનું કહેવાયું હતું.

પાલનપુરના કેસમાં બ્રિજેશ દશરથભાઇ પટેલે રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું છેકે, ગત ૨૭મી ઓગસ્ટ ૨૦૧૫ના રોજ  બનાસકાંઠાના પાલનપુરના ગઢ ગામે પોલીસે ઘરમાં ઘુસીને તોડફોડ કરી હતી, ૬૨ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા, તેમના કાકા કનુભાઇ અંબાલાલ પટેલનું તેમાં મૃત્યુ થયું હતું. બનાવમાં પરિવારના કુલ બેના મોત થયા હતા. ઘટના બાદ આઇપીએસ વિપુલ અગ્રવાલને રજુઆત કરી ત્યારે જવાબદાર પોલીસ સામે પગલાં ભરવાની બાંયધરી આપી હતી પણ આજ સુધી કોઇ પોલીસ અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી થઇ નથી. સરકારે નોકરી આપવાની વાત કરેલી તે પણ પોકળ સાબિત થઇ છે. ઉલટાનું ૧૬૭ લોકો સામે ગુનો નોંધ્યો હતો. એજ રીતે પાટણમાં પણ પાટીદાર વિસ્તારોમાં પોલીસે ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી.

(4:07 pm IST)