Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

નિતીનભાઇના પોસ્ટર સાથે અમારે કોઇ લેવા દેવા નથીઃ તેમને હટાવવા ભાજપમાં મોટું કંઇ રંધાઇ રહ્યું છે

આવતીકાલે સુરેન્દ્રનગરના માલવણમાં પાટીદાર મહાપંચાયતમાં હજારો ઉમટી પડશે તે પૂર્વે બઘડાટી : નિતીનભાઇએ અમીતભાઇનો 'ઇગો' હર્ટ કર્યો છે : હવે બહાર કાઢવાની તૈયારી : હાર્દિક પટેલની સટાસટી

ગાંધીનગર તા. ૨૫ : નીતિનભાઇ પટેલ રાજીનામું આપશે તેવું એક પોસ્ટર વાયરલ થયા બાદ આજે શુક્રવારે નીતિનભાઇએ આ અંગે મીડિયા સાથે વાતચીત કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યાનો દાવો કર્યો હતો. આ અંગે પાસના સુપ્રીમો હાર્દિક પટેલે જણાવ્યું હતું કે વાયરલ થઈ રહેલા પોસ્ટર સાથે અમારે કોઈ લેવાદેવા નથી. નીતિન પટેલને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમને બહાર કાઢવા માટે છેલ્લા ત્રણ ચાર દિવસથી ભાજપમાં કંઈક મોટું રંધાઈ રહ્યું છે. તેમ હાર્દિકે જણાવેલ કે, નીતિનભાઈ પોતાના વર્ચસ્વ માટેની લડાઈ લડી રહ્યા છે. આ પોસ્ટર સાથે અમારે કોઈ લેવાદેવા નથી. ભાજપે જ પોસ્ટર બનાવ્યું છે. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે. જેમાં નીતિનભાઇ પટેલ મહોરૃં બની રહ્યા છે.

પોસ્ટર પાછળ ભાજપનો હાથ કેવી રીતે હોઈ શકે તે અંગે પૂછતા હાર્દિકે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ નીતિનભાઇ સારૃં મંત્રી પદ મળે એ માટે બાંયો ચઢાવી હતી. તેમને મનધાર્યું મંત્રી પદ આપવામાં ન્હોતું આવી રહ્યું. પક્ષ સામે જ બાંયો ચઢાવીને નીતિનભાઈએ અમિતભાઈ શાહનો ઈગો હર્ટ કર્યો છે. એટલે જ હવે તેઓ નીતિનભાઈને બહાર કાઢવા માટે તૈયાર બેઠા છે. ગોરધનભાઇ ઝડફિયા, પ્રવીણભાઇ તોગડિયા અને કેશુભાઈ પટેલ એ વાતના ઉદાહરણ છે કે ભાજપ સરકારમાં જો અમિતભાઇ શાહ અને નરેન્દ્રભાઇ મોદીનો ઈગો હર્ટ કરાય તો શું થાય.

ભાજપના ધારાસભ્યોને આવતીકાલના સુરેન્દ્રનગરના માલવણ ખાતેના પાટિદાર પંચાયત માટે આમંત્રણ આપવા બાબતે હાર્દિકે કહ્યું હતું કે, અમે ભાજપ અને કોંગ્રેસના તમામ ચૂંટાયેલા ૪૨ ધારાસભ્યોને આમંત્રણ આપ્યું છે. નીતિનભાઈ પટેલ રિપીટ થયા હોવાથી તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

(3:57 pm IST)