Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

સંસ્કૃત શિખવવાનો આધુનિક ઉપાયઃ ૬૦૦થી વધુ લોકો રોજ ૧ સંસ્કૃત વાકય - અડધો ડઝન શબ્દો મોકલાય છે

વડોદરા તા. ૨૫ : અંગ્રેજીના વધતા જતા ચલણ વચ્ચે દેવભાષા સંસ્કૃતનુ અસ્તિત્વ ટકાવી રાખવા માટેના પ્રયાસો કેટલીક સંસ્થાઓ અને વ્યકિતઓ સતત કરી રહ્યા છે.આવા જ એક સફળ પ્રયોગમાં વડોદરામાં સંસ્કૃતના પ્રચાર પ્રસાર માટે પ્રયત્નશીલ સંસ્થા દેવ સાયુજય સંસ્કૃત પ્રતિષ્ઠાનમ દ્વારા વોટ્સએપનો ઉપયોગ કરીને ઓનલાઈન સંસ્કૃત શિખવાડવામાં આવી રહ્યુ છે.

એમ એસ યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયના અધ્યાપક અને આ સંસ્થાના અધ્યક્ષ પ્રફુલ પુરોહિતે એક વોટ્સએપ બ્રોડકાસ્ટ ગુ્રપ બનાવ્યુ છે.જેની સાથે સંસ્કૃત પ્રત્યે લગાવ ધરાવતા અને આ ભાષા શિખવા માંગતા ૬૫૦ જેટલા વ્યકિતઓ જોડાયા છે. પ્રફુલ પુરોહિત તેમને વોટ્સએપ પર રોજ સંસ્કૃત ભાષાના પાંચ શબ્દો અને એક વાકય તેના અર્થ સાથે મોકલે છે.રોજ આ શબ્દો અને વાકયનો ઉપયોગ તેમણે કોઈને કોઈ જગ્યાએ કરવાનો રહે છે.

આ રીતે તેમને રોજ પાંચ નવા શબ્દો શીખવા મળે છે. પ્રુફલ પુરોહિત કહે છે કે વોટ્સએપ પર સંસ્કૃત પ્રશિક્ષણની શરૂઆત જગદગુરુ શંકરાચાર્યની જન્મ જયંતિના દિવસથી કરી છે.પ્રશિક્ષણનુ પહેલુ ચરણ ૨૬ ઓગષ્ટે સમાપ્ત થશે.આ દિવસ સંસ્કૃત ભાષા દિવસ તરીકે પણ ઉજવાય છે.પહેલા ચરણમાં વોટસએપ ગુ્રપ સાથે સંકળાયેલા વ્યકિતઓને ૫૦૦ શબ્દો અને અઢીસો વાકયો આવડે તેવુ ધ્યેય છે.એ પછી બીજા ચરણની શરૂઆત થશે.નવા જોડાનારા વ્યકિતઓને પહેલુ ચરણ શીખવાડવા માટે નવુ બ્રોડકાસ્ટ ગુ્રપ બનાવીશું.

(12:41 pm IST)