Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ગુજરાતની વાસણ બજારોમાં જીએસટીના દરોડા

વડોદરા, નડિયાદ, અંકલેશ્વર, ભરૂચ આણંદ ખાતે ઓપરેશન : અમદાવાદમાં ત્રણ ટ્રાન્સપોર્ટરો અને છ ગોડાઉનમાં તપાસ ચાલુ

રાજકોટ તા. ૨૫ : સ્ટેટ જીએસટીના અધિકારીઓએ ગઇકાલે અમદાવાદ, વડોદરા, સુરત, અંકલેશ્વર, ભરૂચ,નડિયાદ, આણંદ સહિત રાજયના વિવિધ શહેરોમાં વાસણના વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. વાસણના વેપારમાં ઘણા સમયથી વેપારીઓ દ્વારા જીએસટીની ચોરી કરવામાં આવી રહી હોવાની મળેલી માહિતીના આધારે આજે સ્ટેટ જીએસટીના એન્ફોર્સમેન્ટ વિભાગે દરોડા કાર્યવાહી શરૂ કરી હતી.ઙ્ગ વેપારીઓ દ્વારા ઇ-વેબીલ આપવામાં પણ કેટલીક ગેરરીતીઓ આચરવામાં આવતી હોવાની માહિતી પણ તંત્રને મળી હતી. વડોદરાની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ દરોડા પડયા હોવાનું જાણવા મળે છે.

સ્ટેટ જીએસટી ટીમે અમદાવાદમાં જીનીંગ કમ્પાઉન્ડમાં દરોડા પાડીને બીલ વગરના માલનો જથ્થો ઝડપી પાડયો છે. સાથો સાથ ત્રણ ટ્રાન્સપોર્ટરોની ઓફિસ તથા છ ગોડાઉનમાં જીએસટીના અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યુ છે,જેમાં પાન મસાલા, તમાકુ, અને ઈલેકટ્રોનીસ ગુડસ અને ઈલેકટ્રીકટલ આઈટમો મળી આવી છે. વેપારીઓ રૂપિયાના કરની ચોરી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યુ છે. જીએસટીની છ ટીમો દ્વારા તપાસ ચલાવી રહ્યા છે. તપાસમાં મોટા વેપારીઓ દ્વારા હજુ સુધી ઈ-વે બીલ જનરેટ નહીં કરવામાં આવ્યા હોવાની વિગતો બહાર આવી છે.

સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કાલુપુરના ત્રણ ટ્રાન્સપોર્ટરોના ત્યાં પાડેલા દરોડામાં પાન-મસાલા, સીગારેટ તથા ઈલેકટ્રોનીસ વસ્તુઓ બીલ વગરના મળી આવ્યા હતા.કાલુપુર વિસ્તારમાં આવેલ કોન્હતુર ટ્રાન્સપોર્ટ, ગુજરાત ટ્રાસપોર્ટ સહિત ત્રણ ટ્રાન્સપોર્ટરો અને તેમના છ ગોડાઉનોમાં તપાસ ચાલી રહી છે. મોડી રાત્રે પણ જીએસટીના અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ રાખી છે. તપાસમાં મળી આવેલા દસ્તાવેજોમાં ઘણા સમયથી જીએસટી ભર્યા વગર માલ આવતો હોવાનું બહાર આવ્યું છે. જીએસટીના અધિકારીઓ અત્યાર સુધી કેટલો માલ આવ્યો છે તેની તપાસ કર્યા બાદ આ અંગે શું કાર્યવાહી કરવી તેનો નિર્ણય કરશે.

(12:39 pm IST)