Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

મધરાતે કરજણમાં પતિ-પત્ની વચ્ચે તકરાર: પત્નીના પેટમાં ચપ્પુ ઝીકી પતિ ફરાર

સસરાના ઘેર આવેલા જમાઈએ ચપ્પુ મારતા સુમિત્રા ગંભીર : વડોદરા સારવાર માટે ખસેડાઇ

કરજણમાં મધરાત્રે પતિ પત્ની વચ્ચે નજીવી તકરારમાં પતિએ પત્નીના પેટમાં ચપ્પુના ઘા ઝીક્યાં હતા પત્નીના પેટમાં ચપ્પુ મારી પતિએ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કરજણ પોલીસે ઈજાગ્રસ્તના પિતાની ફરિયાદને આધારે હત્યાની કોશીષનો ગુનો દાખલ કર્યો હતો.

  આ અંગેની વિગત મુજબ કરજણના હાંડોદમાં રહેતાં છીતુભાઈ વસાવાના ઘરે ગઈકાલે તેમના જમાઈ વિષ્ણુ શંકરભાઈ વસાવા (રહે.ડભોઈ) આવ્યાં હતાં. વિષ્ણુ અને તેની પત્ની સુમિત્રા રાતે રૃમમાં સૂઈ ગયાં હતાં. મોડી રાતે લગભગ બે વાગે પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. ઉશ્કેરાયેલા વિષ્ણુએ તેની પત્ની સુમિત્રાના પેટમાં ડાબી બાજુ ચપ્પુ મારી ફરાર થઈ ગયો હતો

  સુમિત્રાએ બુમાબુમ કરતાં તેના પિતા છીતુભાઈ સહિતનો પરિવાર રૃમમાં દોડી ગયો હતો. ત્યારબાદ ૧૦૮ એબ્યુલન્સ મારફતે સુમિત્રાને તાત્કાલિક સારવાર માટે કરજણ સરકારી દવાખાનામાં લઈ જવાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે સુમિત્રાને અત્રેની સયાજી હોસ્પિટલમાં રીફર કરાઈ હતી. સયાજી હોસ્પિટલમાં સુમિત્રાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.

 કરજણ પોલીસે ઇપીકો કલમ ૩૦૨ હેઠળનો ગુનો નોંધી ફરાર વિષ્ણુની તપાસ હાથધરી છે.

(10:57 am IST)