Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ખેતતલાવડીઓ ન બનાવી હોવા છતાં કાગળ પર ખેતતલાવડીઓ દેખાડવાનું સુરત અને વલસાડ પંથકના મોટા કૌભાંડનો પર્દાફાશઃ ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી. ચાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે ગુન્‍હા દાખલઃ આરોપીઓને ઝડપવા સર્ચ ઓપરેશન એસીબી વડા કેશવકુમારનો સપાટો

રાજકોટઃ ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લીમીટેડના અધિકારી/કર્મચારીઓ અને અન્‍ય ખાનગી વ્‍યક્‍તિઓએ એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરૂ રચી વલસાડ જીલ્લાના વિવિધ ગામોમાં ખેતતલાવડીઓ બનાવવામાં મોટાપાયે ગેરરીતિ/ભષ્‍ટાચાર કર્યાનું લાંચ રૂશવત વિરોધી બ્‍યુરોની તપાસમાં બહાર આવતા એસીબી વડા કેશવકુમારના આદેશથી વલસાડ જીલ્લાના એ.સી.બી.પો.સ્‍ટે.માં ચાર ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવ્‍યા છે.

આ અંગે જરૂરી તપાસ કરવા એ.સી.બી.સુરત એકમના પી.આઇ. બી.કે.વનાર,(સુરત ગ્રામીય)ને તપાસ કરવા માટે એસીબી વડાનો હુકમ થયેલ હતો. જે અંગે ઉડાણપુર્વક વિવિધ મુદાઓ ઉપર ઉપરોક્‍ત અધિકારીઓએ વલસાડ જીલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના કુલ-૫ ગામોમાં ૩૫ સર્વે નંબરોની તપાસ હાથ ધરતા ખેતતલાવડીઓ નહિ બનાવેલ હોવા છતાં બનાવેલનું સર્વે નંબર અસ્‍તિત્‍વમાં ન હોય તેમાં ખેતતલાવડી બનાવેલ હોવાનું, મરણ ગયેલ હોય,  એવા ખેડુતોના નામે ખેતતલાવડી બનાવેલ હોવાનું અને ગામમાં જે નામનો ખેડુત/સર્વે નંબર ન હોય તેવા ખોટાનામો/સર્વે નંબર દર્શાવી ખેતતલાવડીઓ બનાવેલ હોવાના ખોટા પુરાવા ઉભા કરી વિવિધ પ્રકારે મોટાપાયે ગેરરીતિ અને ભષ્‍ટાચાર થયેલાનું જણાયેલ હોવાથી નીચે જણાવ્‍યા મુજબ કુલ-૪ ફોજદારી ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે.

જેમની સામે ફોજદારી ગુન્‍હા દાખલ થયા છે તેમાં ગુજરાત રાજ્‍ય જમીન વિકાસ નિગમ લીમીટેડ, ધરમપુર,જી.વલસાડના, પ્રવિણકુમાર બાલચંદ્ર પ્રેમલ, તત્‍કાલિન ફિલ્‍ડ સુપરવાઇઝર હાલ મદદનીશ નિયામક, ધરમપુર, સુરેશભાઇ રમણાભાઇ કીશોરી, ક્ષેત્ર નિરીક્ષક, યુસુફ અબ્‍દુલરહેમાન ભીખા, ક્ષેત્ર મદદનીશ, સુફિયાન યુસુફ ભીખા કોન્‍ટ્રાકટરનો સમાવેશ છે. સમગ્ર બાબતની તપાસ પોલીસ ઇન્‍સ્‍પેકટર (સુરત શહેર) સી.કે.પટેલ તથા નવસારી એ.સી.બી.પી.આઇ. સી.એમ.જાડેજાને સુપ્રત થઇ છે.

ઉપરોક્‍ત ગુનાઓની તપાસના કામે આરોપીઓના હાલના અને કાયમી રહેઠાણના સ્‍થળોએ એ.સી.બી.ની કુલ-૬ અલગ અલગ ટીમો બનાવી અમદાવાદ વલસાડ, પંચમહાલ, દાહોદ, જીલ્લાના વિવિધ સ્‍થળોએ આરોપીઓની તપાસ તેમજ અન્‍ય પુરાવાઓ હસ્‍તગત કરવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહેલ છે. જે સર્ચ ઓપરેશનમાં આરોપી સુરેશભાઇ રમણભાઇ કિશોરી, ફિલ્‍ડ સુપરવાઇઝર, તથા યુસુફ અબ્‍દુલરહેમાન ભીખા, ક્ષેત્ર મદદનીશ નાઓ મળી આવેલ છે. જેઓની ધરપકડ કરી જરૂરી કાયદેસર કાર્યવાહી કરવાની તજવીજ ચાલુ છે.

ગુજરાત રાજયના મોટા ભાગના જીલ્લાઓમાં ખેત તલાવડીમાં થયેલ ભ્રષ્‍ટ્રાચાર બાબતે એ.સી.બી.એ અલગ અલગ ટીમો બનાવી તપાસ ચાલુ કરેલ છે. ખેત તલાવડી અથવા ગુજરાત જમીન વિકાસ નિગમની કોઇપણ યોજનામાં થયેલ ભ્રષ્‍ટ્રાચાર બાબતે કોઇપણ ખેડુત એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફોન કરી શકે છે. તેમનું નામ પણ ગુપ્‍ત રાખવામાં આવશે.

 

(9:20 pm IST)