Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ઉનાળાને કારણે અમદાવાદમાં બ્લડ બેન્કમાં બ્લડ ડોનર્સની સંખ્‍યા ઓછી થતા લોહીની તંગી ઉભી થઇઃ દર્દીઓ ભારે પરેશન

અમદાવાદઃ અમદાવાદ- ઉનાળાને કારણે શહેરની બ્લડ બેન્કમાં બ્લડ ડોનર્સની સંખ્યા ઘણી જ ઓછી થઈ ગઈ છે અને તેના કારણે લોહીની તંગીની સ્થિતિ ઉભી થઈ છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, રેડક્રોસમાં પણ લોહીની તંગી છે અને અત્યારે આગામી પાંચ જ દિવસ ચાલી શકે તેટલો સ્ટોક બાકી રહ્યો છે.

રેડક્રોસના ડોક્ટર રિપલ શાહ જણાવે છે કે, સમર વેકેશનને કારણે કોલેજો અત્યારે બંધ છે અને ઘમાં લોકો શહેરની બહાર છે, માટે બ્લડ બેન્કમાં ડોનર્સની તંગી ઉભી થઈ છે. આ સિવાય ઘણાં લોકો વિચારતા હોય છે કે તે ઉનાળામાં રક્તદાન કરશે તો બીમાર થઈ જશે. આમ જોવા જઈએ તો તેમનો ભય વ્યાજબી છે, કારણકે બ્લડ ડોનેટ કર્યા પછી તડકામાં બહાર જાય તો તેમને તકલીફ પડી શકે છે. પરંતુ અમે ડોનેશન પછી જરુરી રીફ્રેશમેન્ટ આપતા હોઈએ છીએ, માટે બીમાર પડવાનો કોઈ સવાલ ઉભો નથી થતો.

લોહીની તંગી પર રિપલ શાહે કહ્યું કે, દરરોજ લગભગ 150-160 યુનિટ્સની જરુરિયાત હોય છે, જેમાં 30 યુનિટ્સ ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓ માટે જતા હોય છે. પરંતુ અત્યારે દિવસમાં દરરોજ માત્ર 25-30 યુનિટ્સ બ્લડ ડોનેટ થઈ રહ્યું છે.

ડોક્ટરના જણાવ્યા અનુસાર, જો લોકો આગળ આવીને રક્તદાન નહીં કરે તો ટુંક જ સમયમાં બ્લડ બેન્કમાં લોહીની ભયંકર તંગીની સ્થિતિ સર્જાશે અને તેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. આ સ્થિતિ ચિંતાજનક અને ભયજનક છે.

(7:48 pm IST)