Gujarati News

Gujarati News

News of Monday, 25th April 2022

વાપીમાં બ્રેઇનડેડ યુવાને ત્રણ વ્યક્તિઓને આપ્યું નવજીવન : 362 કિમી લાંબો ગ્રીન કોરિડોર બનાવી પહોંચાડાયા અંગો

વાપીથી અમદાવાદ 362 કિમી લાંબો ગ્રીન કોરિડોર બનાવીને એક યુવાનના લીવર અને કિડનીને ત્રણ વ્યક્તિઓને પહોંચાડયા

વાપી :અંગદાનને લઈને લોકોમાં જાગૃતતા આવી રહી છે ત્યારે વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલમાંથી ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા  વધુ એક સારું કામ કરાવવામાં આવ્યું હતું મેડ ક્ષત્રીય સમાજના બ્રેઈનડેડ યશ ઝવેરીલાલ વર્માના પરિવારે તેની કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું હતું.

બોરડીમાં જીનલ ટાયરના નામથી વિવિધ કંપનીઓના ટાયરની ડીલરશીપ ધરાવતો એક યુવાન યશ ૧૩ એપ્રીલના રોજ રાત્રે ૮:૩૦ કલાકે પોતાની દુકાને થી પોતાના ઘરે મોટરસાઈકલ પર આવી રહ્યો હતો ત્યારે ગોવાડા કોસ્ટલ હાઇવે ખાડીના પુલ પર ગુજરાત તરફના છેડે મોટરસાયકલ સ્લીપ થઇ જતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઇ હતી.

તેને ઉમરગામમાં પબ્લિક હેલ્થ સેન્ટરમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વાપીમાં આવેલ હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલમાં દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.

વાપીની હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલથી અમદાવાદની IKDRC સુધીના ૩૬૨ કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવી કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડાયુ. 


સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૦૯ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૨૪ કિડની, ૧૮૧ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૨૬ ચક્ષુઓના દાનથી કુલ ૯૨૨ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી આપવામાં સફળતા મળી છે.

હરિયા એલ. જી. રોટરી હોસ્પીટલના કોર્ડિનેટર આનંદ શીરસાર્થે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી યશના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યશની પત્ની માનસી, પિતા ઝવેરીલાલ, ભાઈ દુર્ગેશ, સાળા કરણ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

યશની પત્ની માનસીએ જણાવ્યું કે મારા પતિ બ્રેઈનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત જ છે. શરીર બળીને રાખ જ થઇ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો અંગદાન માટે આપ આગળ વધો. યશના પરિવારમાં તેની પત્ની માનસી ૨૧ વર્ષ, ૪ વર્ષની પુત્રી જીનલ, ૨ વર્ષનો પુત્ર તનિષ્ક, પિતા ઝવેરલાલ ૬૪ વર્ષના છે. યશની માતાનું છ મહિના પહેલા અવસાન થયું હતું.

(12:59 am IST)