Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

યુવાનોને નવીનીકરણ માટે આગળ આવવા માટે સૂચન

ગુજરાત યુનિવર્સિટીના દ્વાર ખુલ્લા રખાયા છે : ઇનોવેશનની શક્તિને સત્કારવા યુનિવર્સિટી ખુબ ઉત્સુક જીયુએસઈસીની બોર્ડ બેઠકમાં વિવિધ પાસાઓ પર ચર્ચા

અમદાવાદ, તા. ૨૫ : ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટ્રોપ્રિનરશીપ કાઉન્સિલની બોર્ડ બેઠક કુલપતિ હિમાંશુ પંડ્યાની અધ્યક્ષતામાં મળી હતી. આ બેઠકમાં ભારત સરકારના એનઈબી હેડ એચકે મિત્તલ, ઉપકુલપતિ જગદીશ ભાવસાર, ગુજરાત વેપારી મહામંડળના પ્રમુખ જયમીન વસા, જીયુએસઈસીના સીઈઓ રાહુલ ભાગચંદાની સહિત ડિરેક્ટર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં યુવાનોને ઇનોવેશન અથવા તો નવીનીકરણ માટે તૈયાર કરવાના ૨૦૧૪થી પ્રયાસ હાથ ધરાયા છે. આ પ્રયાસના ભાગરુપે ગુજરાત યુનિવર્સિટીમાં યુવાનો માટે ઉભી કરાયેલી વ્યવસ્થાના પરિણામે ૩૦૦ જેટલા નવા જ વિચારો યુવાનોમાં જુદી જુદી પ્રોડક્ટ માટે પ્રાપ્ત થયા છે. આ પૈકીના ૬૫ જેટલા સ્ટાર્ટઅપ પર કામ પ્રારંભ થયું છે. ૨૫ જેટલા સ્ટાર્પઅપ ધંધાર્થી સ્વરુપે બહાર આવ્યા છે. ૧૫૫થી વધુ રોજગારીનું સર્જન થયું છે. સ્ટાર્ટઅપ યુવાનોએ બે કરોડથી વધારેનો ધંધો કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ છેલ્લા એક વર્ષમાં મહિલા સ્ટાર્ટઅપ માટે કરેલા ખાસ અભિયાનને ૮૨૫ જેટલા મહિલા સાહસીકો દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો છે. હર સ્ટાર્ટઅપના પાંચ સ્ટાર્પઅપ બહેનોને મોટવાણી જાડેજા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા આશા જાડેજા મોટવાણી તરફથી ૧૦ લાખ રૂપિયાના પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીએ તાજેતરમાં જ પદવીદાન સમારોહમાં બે સ્ટાર્ટઅપ યુવાનોને અટલ ઇનોવેશન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. ભારત સરકાર અને ગુજરાત સરકાર રોજગાર સર્જન માટે યુવાનોને પ્રોત્સાહિત કરી રહી છે. તેની ઉત્તમ વ્યવસ્થા ગુજરાત યુનિવર્સીટીમાં કરાઈ છે. તેનો યુવાનોએ અભ્યાસની સાથે સાથે નવીનીકરણ માટે લાભ લેવા યુનિવર્સિટીના કુલપતિએ અપીલ કર છે. ગુજરાત યુનિવર્સિટીના દ્વાર યુવાનોમાં રહેલી ઇનોવેશન શક્તિને સત્કારવા ખુલ્લા છે. તેનો લાભ લેવા માટે પણ યુવાનોએ જીયુએસઈસીની વેબસાઇટ પર જવા અનુરોધ કર્યો છે.

(9:43 pm IST)