Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અલ્પેશઠાકોર ધારાસભ્યપદ રદ કરાવવા માટે કોંગ્રેસ ઇચ્છુક

કોંગ્રેસના બે ધારાસભ્યો દ્વારા સચિવને અરજી : ધારાસભ્ય અશ્વિન કોટવાલ, બળદેવજી ઠાકોરે અલ્પેશઠાકોર સભ્યપદેથી દૂર કરવા કરેલી અરજી : ટૂંકમાં નિર્ણય કરાશે

અમદાવાદ,તા. ૨૫ : લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે કોંગ્રેસે પક્ષ સાથે છેડો ફાડનાર અને પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાની મહત્વની કવાયત હાથ ધરી છે. અલ્પેશ ઠાકોરને હવે ધારાસભ્યમાંથી કમી કરવા માટે કોંગ્રેસ શરૂ કરેલી કાર્યવાહીને પગલે હવે રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને ઠાકોર સેનામાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જો કે, ઠાકોર સેનાનો બહુ મોટો વર્ગ પણ હવે અલ્પેશ ઠાકોરની વિરૂધ્ધમાં પડયો છે. જેથી આગામી દિવસોમાં અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધવાની છે તે નક્કી છે. રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળીને અલ્પેશનું ધારાસભ્યપદ રદ કરાવવા અરજી કરી છે. અગાઉ કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. પક્ષ છોડવાની જાહેરાત કર્યાના ચાર દિવસ બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તા.૧૦ એપ્રિલે કોંગ્રેસને રાજીનામું મોકલી આપ્યું હતું. ત્યારબાદ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો હતો તેમજ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો. હવે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરની ધારાસભ્યપદેથી હકાલપટ્ટીની ગંભીરતાપૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે.

(8:20 pm IST)