Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ઇવીએમ-વીવીપેટની સુરક્ષા માટે ત્રણ સ્તરીયની સલાતમી

સૌપ્રથમવાર ઇવીએમ મહિના સ્ટ્રોંગરુમમાં : સીઆરપીએફ, એસઆરપી, સ્થાનિક પોલીસની રાઉન્ડ ધ ક્લોક ૩ સ્તરીય સુરક્ષા : સીસીટીવી પર ચાંપતી નજર

અમદાવાદ,તા. ૨૫ : ગુજરાતની તમામ લોકસભા બેઠકો માટે તા.૨૩ એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને તમામ ઈવીએમ-વીવીએમ સ્ટ્રોંગરૂમમાં પણ રાખી દેવામાં આવ્યા છે. જો કે, ઇતિહાસમાં સૌપ્રથમવાર ઇવીએમ સ્ટ્રોંગરૂમમાં એક મહિના સુધી બંધ રહેશે. કારણ કે, મતગણતરી છેક તા.૨૩મી મેના રોજ થવાની છે તેથી ત્યાં સુધી સ્ટ્રોંગરૂમમાં ઇવીએમ-વીવીપેટ મશીન સીલબંધ હાલતમાં રખાશે. જો કે, ઇવીએમ-વીવીપેટની સુરક્ષા માટે એકદમ ફુલપ્રુફ અને થ્રી લેયર અભેદ્ય સુરક્ષા કવચ ખડકી દેવાયું છે. સીઆરપીએએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસ સહિતના સુરક્ષા જવાનોને રાઉન્ડ ધ કલોક થ્રી લેયર સીકયોરીટીમાં તૈનાત કરી દેવાયા છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તા.૨૩ એપ્રિલે પૂર્ણ થયા બાદ અમદાવાદ સહિત રાજયભરમાંથી ઈવીએમ-વીવીપેટ નિયત સ્ટ્રોંગરૂમમાં લોખંડી સુરક્ષા વચ્ચે મૂકી દેવાયા છે. હવે તા.૨૩મેના રોજ કાઉન્ટિંગ માટે ઇવીએમના સીલ ખોલવામાં આવશે. આમ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર ઈવીએમ એક મહિના સુધી સ્ટ્રોંગરૂમમાં પડ્યા રહેશે. લોકસભા ૨૦૧૪માં ગુજરાતમાં તા.૩૦ એપ્રિલે મતદાન યોજાયું હતું અને ત્યાર બાદ તા.૧૬મેના રોજ મતગણતરી યોજાઈ હતી. જ્યારે ૨૦૦૯માં તા.૩૦ એપ્રિલે મતદાન અને તા.૧૭મેના રોજ મતગણતરી યોજાઈ હતી અને ૨૦૦૪માં તા.૨૦ એપ્રિલના રોજ મતદાન તથા તા.૧૩મેના રોજ મતગણતરી યોજાઈ હતી. આમ આ વખતે સૌપ્રથમવાર એક મહિનાના લાંબા સમય સુધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમમાં રખાયા હોઇ ખાસ કરીને વિપક્ષ કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૪થી સંપૂર્ણ લોકસભા ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ શરૂ થયો હતો. મતદાન પૂર્ણ થયા બાદ ટકાવારી, સંખ્યા સહિતનો સંપૂર્ણ રિપોર્ટ પ્રિસાઈડીંગ ઓફિસર તૈયાર કરે છે અને એક વોર્ડના અલગ અલગ બૂથના ઈવીએમ પ્રિસાઈડીંગ ઓફિસર ભેગા કરી તેની સંપૂર્ણ ચકાસણી કરે છે. ત્યારબાદ જે તે લોકસભાનો રિર્ટનિંગ ઓફિસર અને રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં પંચનામું કરી ત્યાર બાદ ઈવીએમ સીલ કરવામાં આવે છે. સીલ માર્યા બાદ તેને સ્પેશિયલ પ્રૂફ બેગમાં મુકીને તેને સરકારી બસોમાં સ્ટ્રોંગ રૂમ સુધી પહોંચાડવામાં આવે છે. જ્યાં સ્ટ્રોંગ રૂમમાં ચૂંટણી અધિકારી દરેક બૂથ અને વોર્ડ મુજબ ફાળવાયેલી ચોક્કસ જગ્યાએ મુકી દે છે. ત્યારબાદ સ્ટ્રોંગરૂમને સીલ કરવામાં આવે છે. આ સીલ પર તારીખ અને સમય લખેલો હોય છે. સ્ટ્રોંગરૂમમાં કલેક્ટર પણ એકલા જઈ શકે નહીં તેવી જોગવાઇ છે. જ્યારે સ્ટ્રોંગરૂમની સિક્યુરિટી અંગે વાત કરીએ તો ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવવામાં આવી છે. સ્ટ્રોંગરૂમ જે જગ્યાએ રાખ્યા હોય તેના પરિસરમાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગની સાથે રેર્કોડિંગ થતાં સીસીટીવી કેમેરા, સીઆરપીએફ, એસઆરપી અને સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ ક્લોક તૈનાત રાખવામાં આવ્યા છે. તંત્રએ એકદમ ફુલપ્રુફ સુરક્ષા વ્યવસ્થા રાખી છે કે જેથી સલામતી વ્યવસ્થાને લઇ કોઇ સવાલ ઉઠાવી ના શકે.

(7:41 pm IST)