Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે ખોડલધામ અને ઉમિયાધામ સંસ્થામાં મીટીંગ

આંદોલનની રણનીતિ ઘડવામાં આવશેઃ પાસના દિનેશ બાંભણીયાની જાહેરાત

 આટકોટ, તા. ૨૫ :. પાટીદાર અનામત આંદોલન ગુજરાત-ગાંધીનગરના અગ્રણી દિનેશ બાંભણીયાએ પાટીદાર આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે તા. ૧-૫-૧૯ના ખોડલધામ સંસ્થા, સરદાર ભવન રાજકોટ ખાતે બપોરે ૩ વાગ્યે મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઉમિયાધામ સંસ્થામાં ઉમિયાધામ મંદિર ઉંઝા ખાતે પણ મીટીંગ મળશે. જેમાં અલ્પેશ કથીરિયાને જેલમુકિત માટે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

દિનેશ બાંભણીયાએ સામાજિક આગેવાનો અને તમામ આંદોલનકારીઓને પાઠવેલા પત્રમાં જણાવ્યુ છે કે, અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે ગુજરાતના તમામ આંદોલનકારીઓએ આગળ આવવુ જોઈએ. આપણો સાથી મિત્ર અલ્પેશ કથીરિયા ખોટા કેસોમાં જેલવાસ ભોગવી રહ્યો છે. અન્યાયની લડાઈમાં આપણે સૌ જોડાઈને અન્યાય અપાવવો જોઈએ.

દિનેશ બાંભણીયાએ વધુમાં જણાવ્યુ છે કે હવે અલ્પેશ કથીરિયાની જેલમુકિત માટે આપણી માતૃ સંસ્થા ઉમિયાધામ-ઉંઝા અને ખોડલધામ-કાગવડએ ઘણા બધા માન-અપમાનોનો સામનો કર્યા પછી પણ સમાજ હિતમાં આપણને સાથ સહકાર આપેલ છે. ત્યારે ફરી એકવાર અલ્પેશ કથીરિયા માટે સંસ્થાઓએ સંપૂર્ણ બાંહેધરી આપી છે. જેથી મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ છે.

અલ્પેશ કથીરિયાની જેલમુકિત બાદ આંદોલનની આગળની રણનીતિ અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં ઘડવામાં આવશે.

દિનેશ બાંભણીયાએ આ અંગેની જાણ હાર્દિક પટેલ, દક્ષિણ ઝોનના ધાર્મિક માલવીયા, મધ્ય ઝોનના ઉદય પટેલ, નિરવ પટેલ, સૌરાષ્ટ્ર ઝોનના મનોજ પનારા, અમિત ઠુંમર, ઉત્તર ઝોનના સુરેશ પટેલ (ઠાકરે), હર્ષદ પટેલ, અમદાવાદના જયેશ પટેલ, સાબરકાંઠાના રાજ પટેલ અને કચ્છના જીતુભાઈ પટેલને પણ કરી છે.

(4:07 pm IST)